અમદાવાદ,તા.૧
શહેરના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આત્મસમર્પણ કરનાર આરોપી પર્વ શાહને ગઈ કાલે મિર્ઝાપુર કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જેમાં પોલીસે તમામ લોકોના નિવેદનો સાથે એક રિપોર્ટ તૈયાર કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી. આ કેસમાં પોલીસે ૩ દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. રીમાન્ડની મર્યાદા પૂર્ણ થતાં તેને આજે ફરીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરોપી પર્વને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હૂકમ કર્યો હતો. હવે પોલીસ આરોપીના નિવેદનને આધારે ઘટના સ્થળે જઈને સીસીટીવીની મદદથી તપાસ કરશે.
આ પહેલા આજે સવારે પર્વ શાહનું નિવેદન લીધા બાદ પોલીસે તેના ૩ અન્ય મિત્રોને પણ પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા. આ મિત્રો બનાવ દરમિયાન પર્વ સાથે કારમાં હતા. તેઓ પણ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા, જેમાં એક મિત્રને ત્યાંના લોકોએ માર માર્યો હતો. જાેકે આ ૩ મિત્રોમાંથી એક મિત્રને પગમાં ઇજા થયેલી છે. આ ૩ મિત્રોને સેટેલાઇટ પોલીસે અલગ અલગ રાખીને એક બાદ એકના નિવેદન નોંધીને પૂછપરછ કરી હતી. અંદાજિત ૨ કલાક જેટલો સમય આ ૩ મિત્રોના નિવેદન લેવામાં લાગ્યો હતો. જ્યારે આરોપી પર્વ શાહની આજે પણ ૧ કલાકથી વધુ સમય અલગ રાખીને પૂછપરછ કરાઈ હતી.