Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે પતિએ કર્યો વિશ્વાસઘાત

અમદાવાદ,
શહેરમાં રહેતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાસરિયાઓેએ ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદથી જ પતિ માર મારતો હતો અને સાસરિયાઓ ‘નોકરી કરવા નહીં, ઘરના કામ કરવા લાવ્યા છીએ’ એમ કહીને ત્રાસ આપતા હતા. તાજેતરમાં મહિલા કોન્સ્ટેબલની તબિયત ખરાબ થતા હૉસ્પિટલમાં જવાનું કહેતા પતિએ આપણા છૂટાછેડા થઈ ગયા છે તેવો ફોડ પાડ્યો હતો. બાદમાં પતિએ કહ્યું કે, સમાધાનના જે કાગળ પર સહી કરાવી હતી તે છૂટાછેડાના કાગળો હતા. પતિની આવી વાતથી મહિલા કોન્સ્ટેબલને મનમાં લાગી આવતા તેણીએ પોલીસ કન્ટ્રોલ રૂમને આપઘાત કરવા જવાનો ફેકસ મેસેજ કર્યો હતો. પોલીસે મહિલાનું કાઉન્સેલિગ કર્યા બાદ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય યુવતી શહેર ટ્રાફિક વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેનો પતિ એન્જીનિયર તરીકે એક કંપનીમાં નોકરી કરે છે. વર્ષ ૨૦૧૮માં મહિલા કોન્સ્ટેબલે કોર્ટ મેરેજ કર્યા હતાં. બાદમાં સાસરિયાઓ રાજી થતા રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણેક માસ બાદ પતિ નોકરી બાબતે ઝઘડા કરી અવારનવાર મહિલા કોન્સ્ટેબલને ભાવનગર સાસરે લઈ જતો હતો. ત્યાં આ મહિલા કોન્સ્ટેબલના સાસુ-સસરા, જેઠ-જેઠાણી ત્રાસ આપવા લાગ્યા હતા અને કહેતા કે ‘તને માત્ર નોકરી કરવા નથી લાવ્યા, ઘરના કામ પણ કરવા પડશે.’ સંસાર બચાવવા માટે મહિલા કોન્સ્ટેબલ કંઈ બોલતી ન હતી અને માતાપિતાને જણાવ્યા વગર આ ત્રાસ સહન કરી ક્યારેક ભાવનગર તો ક્યારેક અમદાવાદ રહેતી હતી.

લગ્નના ત્રણેક માસ બાદ મહિલા કોન્સ્ટેબલને ગર્ભ રહ્યો હતો પણ પતિને બાળક જાેઈતું ન હોવાથી મહિલા કોન્સ્ટેબલે સંમતિથી બાળક રાખ્યું ન હતું. બાદમાં તેના સાસુ-સસરા ચઢામણી કરી બાળક રાખવા દેતા ન હતા. છેલ્લા દસેક દિવસથી આ મહિલા કોન્સ્ટેબલનો પતિ તેને મૂકીને જતો રહ્યો હતો. મહિલાના પિયરજનો અને સાસરિયાઓ સમાધાન માટે ભેગા થયા ત્યારે માહોલ બગડતા મહિલા કોન્સ્ટેબલ બેભાન થઈ જતા તેને સારવાર માટે લઈ જવાઇ હતી.

તાજેતરમાં મહિલા કોન્સ્ટેબલના બેન-બનેવી સાથે પતિ એક વકીલની ઓફિસે લઈ ગયો હતો, જ્યાં આપણું સમાધાન થઈ ગયું છે તેમ કહી એક કાગળ પર સહી કરાવી લીધી હતી. બાદમાં ત્રણેક દિવસ મહિલા કોન્સ્ટેબલ રોકાઈ અને પછી અમદાવાદ એકલી પરત આવી હતી. હમણાં તેની તબિયત સારી ન હોવાથી તેણે પતિને હોસ્પિટલમાં લઈ જવા ફોન કરતા પતિએ ખુલાસો કર્યો કે જે કાગળ પર સહી કરાવી તે છૂટાછેડાના કાગળ હતા. આપણા કાયદેસર છૂટાછેડા થઈ ગયા છે. પતિની આવી વાતથી મહિલા કોન્સ્ટેબલને મનમાં લાગી આવતા તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં આપઘાત કરવા જાઉં છું તેવો ફેકસ મેસેજ કર્યો હતો. બાદમાં તે નોકરીએ જવા નીકળી હતી. પોલીસને આ મેસેજ પાસ કરાતા પોલીસ આ મહિલા કોન્સ્ટેબલને કાઉન્સેલિંગ માટે લઈ આવી હતી. બાદમાં મહિલા કોન્સ્ટેબલના પતિ સહિત સસરા પક્ષના પાંચ લોકો વિરુદ્ધ વિશ્વાસઘાત, મારામારી, ત્રાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *