ન્યુ દિલ્હી
કુરાનમાંથી ૨૬ આયતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરનાર વસિમ રિઝવી સામે મુસ્લિમ સમુદાયમાં ભારે નારાજગી અને આક્રોશ છે. દરમિયાન શિયા અને સુન્ની ધર્મગુરુઓએ વસિમ રિઝવીની આકરા શબ્દોમાં નિંદા કરી છે. શિયા-સુન્ની ધર્મગુરુઓએ પત્રકારોની હાજરીમાં વસિમ રિઝવીને ઈસ્લામ ધર્મમાંથી હકાલપટ્ટી કરવાનો ફતવો બહાર પાડ્યો હતો. ધર્મગુરુઓએ તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, વસીમ રિઝવી ઈઝરાયેલના એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે અને તેનો ઈરાદો મુસ્લિમ સમાજને નુકસાન પહોંચાડવાનો છે. રિઝવીના કૃત્યને માફ કરી શકાય તેમ નથી. વસીમ રિઝવી મુસ્લિમ સમુદાયનો હિસ્સો નથી અને તેણે હંમેશા મુસ્લિમ સમાજને બદનામ કર્યો છે. આમ વસીમ રિઝવીને મુસ્લિમ સમાજમાંથી હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. વસીમ રીઝવી સામે તેના ઘરની બહાર મુસ્લિમ મહિલાઓએ દેખાવો પણ કર્યા છે અને મહિલાઓએ કહ્યુ હતું કે, જે પોતાના ધર્મનો નથી થયો તે બીજાનો શું થવાનો છે. મહિલાઓએ વસીમ રીઝવી સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.