સાગબારાની નાની દેવરૂપેણ ગામે શિક્ષકો વચ્ચે છુટા હાથની મારામારી થતા લાંછન રૂપ ઘટના બની
શિક્ષકો એકબીજા ઉપર દંડા લઇ તૂટી પડ્યા, એક મહિલા શિક્ષક સહિત ત્રણ શિક્ષકો સામે પોલીસ ફરિયાદ થતાં શિક્ષણ જગતમાં સોંપો..!
સાજીદ સૈયદ, નર્મદા
શિક્ષકો બાળકોમાં વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરે છે, પરંતુ સાગબારાના નાની દેવરૂપેણ ગામે એક અજબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાગબારાના નાની દેવરૂપેણ ગામે સાગબારા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભામાં હિસાબ માંગવા અંગે છુટા હાથની મારામારી થઈ હતી. આ મારામારીમાં બે શિક્ષકો ઘાયલ થયા હતા અને આ સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને હુમલો કરનાર મહિલા શિક્ષક સહિત ત્રણ શિક્ષકો સામે સાગબારા પોલીસમાં ગુનો નોંધાતા શિક્ષણ જગતમાં સોંપો પડી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારના શિવાજી નગરમાં રહેતા કેયુર વસંત વસાવાએ સાગબારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, પાંચ પીપળી ગામના ઉત્તમ દેવા વસાવા, વિવેક ઉત્તમ વસાવા તથા દક્ષાબેન ઉત્તમ વસાવા ત્રણે દ્વારા તેના માતા પિતા પર હુમલો કરવામાં આવ્યો છે અને એ બાબતે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતવાર વાત કરીએ તો, ફરિયાદી કેયુર વસંત વસાવા અને તેમના પિતા વસંત વસાવા તથા તેમની માતા નિર્મળાબેન પ્રાથમિક શાળા દેવરૂપેણ ખાતે ચાલતી સાગબારા ટીચર્સ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 51મી વાર્ષિક સાધારણ સભામાં હાજર હતા. તે વખતે બપોરના 1:30 વાગ્યાના આસપાસ સ્ટેજ ઉપર સોસાયટીની આ સભામાં હિસાબોની વાત ઉઠતા વજેસિંહ સુભાષ પાડવી, સ્ટેજ ઉપરથી માઇકમાં કહેતા હતા કે, ટીચર્સ મંડળીનો અગાઉના પ્રમુખ પાસે હિસાબ કિતાબ માંગો, તેવું કહેતા ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા દક્ષાબેન વસાવાએ ફરિયાદીના પિતા વસંતભાઈને ગમે તેવી ગાળો બોલી તેમના ગાલ ઉપર બે ત્રણ થપ્પડ મારી દીધી હતી અને ત્યાં સ્ટેજ ઉપર હાજર ઉત્તમ ભીમા વસાવાએ પણ તેમની ફેટ પકડી મારવા લાગ્યા હતા. ત્યારે શિક્ષકોએ વચ્ચે પડી તેમને વધુ માર મારતા બચાવ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓ શાળાના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ થોડીવાર બાદ આરોપીઓએ લાકડીના દંડા લઈ આવી ફરિયાદીના માતા પિતા ઉપર તૂટી પડ્યા હતા અને આડેધડ સપાટા મારી માથાના ભાગે ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા. ફરિયાદીને તથા તેમની માતા નિર્મળાબેનને વધુ માર મારતા બચાવ્યા હતા. પણ આરોપીઓએ વસંતભાઈને જતા જતા ધમકી આપી હતી કે, આજે તુ બચી ગયો પણ હવે પછી એકલો મળ્યો તો, તને જાનથી મારી નાખીશું. આમ શિક્ષકો દ્વારા છુટા હાથની મારામારી કરતા અને એકબીજા પર લાકડીઓ વડે હુમલો કરતા સનસનાટી મચી જવા પામી છે અને શિક્ષકોની છબી માટે લાંછન રૂપ આ ઘટના બની છે.