(હર્ષદ કામદાર)
કોરોના મહામારી વિશ્વભરમાં બેરોજગારી વરવા રૂપે લાવી છે. વિવિધ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રે સ્કિલ્ડ શ્રમિકોની કમી ઊભી થઈ છે તો બીજી તરફ બેરોજગારીને કારણે લોકોની ખરીદશક્તિ ઘટતા તેની અસર દરેક પ્રકારના વેપાર-ધંધા અને બજારો ઉપર થવા પામી છે. પરીણામે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થામાં ઘેરી મંદીના વાદળો છવાઈ ગયા છે. ભારતમાં રોજગારી માટે દિવસે દિવસે સ્થિતિ વધુ વણસતી ચાલી છે… તેમાં પણ દેશમાં નવી રોજગારી ઊભી થઈ નથી તે સાથે શિક્ષિતો વધતા જઈ રહ્યા છે તેઓને પણ રોજગારી માટે ફાફા મારવા પડે છે…. બીજી તરફ સરકારે જાહેર સાહસો ખાનગી હાથોને સોંપવાની શરૂઆત કરતા શિક્ષિત અને બેરોજગારની સંખ્યામાં વધારો થયો છે. વિશ્વ ભૂખમરા વિરુદ્ધ ઘણા દાયકાથી લડી રહ્યું છે અને તેમા ભરપૂર પ્રમાણમાં પ્રગતિ થઈ હતી પરંતુ કરોના મહામારીએ તેની પર મોટો ફટકો માર્યો છે અને દરેક દેશમાં કુપોષણના ગંભીર સ્વરૂપનો શિકાર બનવાની સંભાવના વધી પડી છે….! થોડા સમય પહેલા વૈશ્વિક સ્તરે કુપોષણ બાબતે એક અહેવાલ જાહેર થયેલ તેમાં દર્શાવેલ છે કે વિશ્વભરમાં અંદાજે ૧૧.૯૦ કરોડ બાળકો કુપોષણના બેહદ ગંભીર સ્વરૂપનો શિકાર બનશે… જેમાં સૌથી મોટી અસર દક્ષિણ એશિયા અને આફ્રિકાના દેશોના બાળકોને થવાનો અંદાજ છે. જે મહિલાઓ ગર્ભવતી છે તે એવાં બાળકોને જન્મ આપશે કે જે અગાઉથી જ કુપોષિત હશે અને જાે આવુ થશે તો ભવિષ્યની પેઢી ભૂખમરા અને કુપોષણનો શિકાર બનશે. ભારતમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે ૨૦૨૦ના એક ખુલાસામાં દેશમાં ૯.૨૭ લાખ બાળકો ગંભીર કુપોષિત હોવાનું જણાવેલ જેમાં ૬ મહિનાથી ૬ વર્ષની વય જુથના બાળકોનો સમાવેશ થાય છે……!
થોડા સમય પહેલા યુએનના એક અહેવાલમાં વિગતો જાહેર થઈ હતી કે કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં ભૂખમરાની સ્થિતી અતિ ચિંતાજનક બની રહી છે. માત્ર ખોરાકના અભાવે દર મહિને દસ હજારથી વધુ બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. કોરોના મહામારીની અસરને કારણે ગરીબ દેશોની સ્થિતિ દિવસે દિવસે વધુ બગડતી જઈ રહી છે. જ્યારે કે ગ્રામ્ય ઉત્પાદનો માર્કેટ સુધી પહોંચી શકતા નથી બીજી તરફ ગામડાઓમાં મેડિકલ સપ્લાય અને ખાદ્યસામગ્રી પહોંચી શકતા નથી આ અહેવાલમાં શંકા વ્યક્ત કરવામાં આવેલ છે કે કોરોના વાયરસને કારણે કરવામાં આવેલ ભોજનની વ્યવસ્થાની સપ્લાયમા કમીને કારણે એક વર્ષમાં એક લાખ વીસ હજાર બાળકોના મૃત્યુ નિપજી શકે છે. યુએનના જણાવ્યા અનુસાર દર મહિને સાડા પાંચ લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બને છે. સબક અને વધી રહેલા કુપોષણના લાંબા ગાળાના પરિણામો ભારે નુકશાનકારક પણ હોઈ શકે છે. આ બધી બાબતો વચ્ચે નોંધનીય બાબત એ રહી છે કે ભારત એક ખેતીપ્રધાન દેશ છે અને આજે પણ કૃષિ ઉત્પાદનોની સ્થિતિ ઘણી જ સારી છે…. કારણ કૃષિ જમીન તથા તેના ઉત્પાદનોની માલીકી ખેડૂતોની બની રહી છે. હજુ સુધી કૃષિ ઉત્પાદન કરતી જમીનો ઔદ્યોગિક ગૃહો કે મોટા વેપારીઓના હાથમાં નથી પહોંચી શકી જે કારણે ભારતમા કુપોષણ બાબતે ઓછી સમસ્યા છે….. છતાય કુપોષણની સમસ્યા કોરોના મહામારીને કારણે ગંભીર બનવા પામી છે તેમ કહીશું તો તે અતિશયોક્તિ ન કહી શકાય…..!