હાર્દિક પંડ્યાનો વીડિયો વાયરલ થતાં લોકોની ઉત્સુકતા વધી ગઇ કે, આખરે તેણે એવું તો શું કહ્યું હતું.
વર્લ્ડકપ ૨૦૨૩માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જાેવા મળી રહ્યું છે. ટીમે શરૂઆતની ત્રણ મેચ જીતી લીધી છે. ગઇકાલે શનિવારે ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી અમદાવાદની મેચ હરાવી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ ૧૯૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાએ ૩૧મી ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.
આ મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ૩૪ રન આપીને ૨ વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વર્લ્ડ કપ ૨૦૨૩ની ૧૨મી મેચમાં પાકિસ્તાન સામે ભારતને બીજી સફળતા અપાવી હતી. પંડ્યાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અને પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકના ભત્રીજાને સસ્તામાં પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હાર્દિકે જે રીતે પાકિસ્તાનને બીજાે ઝાટકો આપ્યો તેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઇ રહી છે.
પાકિસ્તાની ઇનિંગ્સની ૧૩મી ઓવરના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યાએ ઓપનર ઈમામ ઉલ હકને વિકેટકીપર કે.એલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ઈમામ ૩૮ બોલમાં ૩૬ રન બનાવીને આઉટ થયો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પંડ્યા બોલિંગ કરતા પહેલા બોલને મોં પાસે લઈ જઈને કંઈક કહેતો જાેવા મળી રહ્યો છે. પંડ્યાનો વીડિયો વાયરલ થતાં લોકોની ઉત્સુકતા વધી ગઇ કે, આખરે તેણે એવું તો શું કહ્યું હતું. જાે કે, તેણે પોતે જ આ અંગે ખુલાસો કર્યો હતો. મેચ પૂરી થયા બાદ પૂર્વ દિગ્ગજ ગૌતમ ગંભીર અને ઇરફાન પઠાણ સાથે વાત કરતાં પંડ્યાએ મજાકીયા અંદાજમાં જણાવ્યું કે, તેણે શું કહ્યું હતું. હાર્દિકે કહ્યું કે, મેં બહુ જ સરળ રીતે પોતાની સાથે વાત કરી હતી. પોતાને ગાળ આપી (હસીને). હું પોતાને મોટિવેટ કરી રહ્યો હતો. કંઇક અલગ ના કર. હાર્દિકે જણાવ્યું હતું કે, મે અને સિરાજે વાત કરી હતી કે, એક જેવી વિકેટ પર બોલિંગ કરીશું તો વધુ કંઇ ટ્રાય નહીં કરીએ. જેમ કે, પાછલી મેચોમાં બુમરાહે કર્યું છે.