માણાવદર,તા.૨૨
માણવદરમાં મુસ્લીમ સમાજ દ્વારા “પવિત્ર કુરાન શરીફ” ની આયતો અંગે અયોગ્ય ટીપ્પણી કરનાર સામે પગલા લેવા આવેદન પત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. માણાવદર સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ હુસેન દલની આગેવાનીમાં મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજના આગેવાનોએ રેલી સ્વરૂપે જુમ્મા મસ્જીદથી નિકળી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીએ જઈ આવેદન પત્ર પાઠવ્યુ હતું. જેમાં જણાવેલ કે, ઉતરપ્રદેશના લખનૌ શહેરના કાશ્મીરી મહોલ્લામાં રહેતા વસીમ રીઝવી નામના શખ્શે ઈસ્લામ ધર્મના પવિત્ર ધર્મગ્રંથ કુરાન શરીફની પવિત્ર આયતો વિશે અયોગ્ય ટીપ્પણી કરી ઈસ્લામ ધર્મનું અને પવિત્ર કુરાન શરીફનું અપમાન કરેલ છે. ઈસ્લામ ધર્મના અનુયાયીઓની આસ્થાને ઠેસ પહોંચાડેલ હોવાથી મુસ્લીમ સમાજની ધાર્મિક લાગણી દુભાયેલ છે. જેથી તેની સામે ધોરણસર પગલા લેવા માંગણી છે.
મજકુર શખ્સે પવિત્ર કુરાન શરીફની ૨૬ આયતો કુરાન શરીફમાંથી રદ કરવા સુપ્રીમ કોર્ટમાં જાહેર હીતની અરજી કરેલ છે અને કોર્ટની બહાર નવી દિલ્હી મુકામે મીડિયા સમક્ષ વિવાદાસ્પદ નિવેદન આપેલ છે. એ નિવેદનને સખ્ત શબ્દોમાં અમો વખોડીએ છે. શખ્સે મીડિયા સમક્ષના પોતાના નિવેદનમાં જણાવેલ છે કે, ઈસ્લામ ધર્મના ખલીફાઓએ કુરાન શરીફમાં સુધારા કરી ૨૬ આયતો પાછળથી દાખલ કરી છે. આ ૨૬ આયતો ધ્રુણા ફેલાવે છે, આતંકવાદને ટેકો આપે છે તેથી આ ૨૬ આયતોને કુરાન શરીફમાંથી દુર કરવી જાેઈએ. મજકુર શખ્સના આવા પાયા વિહોણા નિવેદનને ખોટું નિવેદન જાહેર કરી તેની નિંદા કરીએ છે.