રાજ્યના તમામ જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક રોજ બરોજ રખડતા ઢોરોનો શિકાર આમ આદમી બની રહ્યા છે
વડોદરા,તા.૨૪
ગુજરાતમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો પ્રશ્ન ખુબ જ જટીલ બની રહ્યો છે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક રોજ બરોજ રખડતા ઢોરોનો શિકાર આમ આદમી બની રહ્યા છે અને સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે વડોદરા શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત છે.
શહેરના અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ પાસે યુવાનને ગાયે અડફેટે લેતાં તે ઘાયલ થયો છે. ઘાયલ થયેલા યુવાનનું નામ હિરેન પરમાર છે અને સૌથી મહત્વની વાત છે કે, તેના લગ્ન ૬ જૂનના રોજ રાખવામાં આવ્યા હતા. હવે હિરેન ઘાયલ થતા લગ્ન પ્રસંગ કેવી રીતે થશે એ અંગે પરિવારમાં ચિંતાનો માહોલ છે. હિરેન ટેટૂ બનાવી આપવાનો ધંધો કરે છે. હાલમાં ઘાયલ થતા આર્થિક મુસિબતનો સામનો પણ કરવો પડી શકે છે. રાત્રે ૯ થી ૧૦ વાગ્યાના અરસામાં જેતલપુર રોડથી અલકાપુરી તરફ હિરેન એક્ટિવા પર જતો હતો ત્યારે અચાનક કૂતરાઓ ભસતા ગાય એકટીવા સાથે અથડાઈ હતી. જેના કારણે યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. મોઢાના ભાગે ઇજા થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજા પોહચવાથી ૧૦થી ૧૨ ટાંકા લેવા પડ્યા હતા.
વડોદરા શહેરમાં એક અઠવાડિયામાં રખડતા ઢોરના કારણે આ ત્રીજાે બનાવ છે. પાલિકા તંત્ર દ્વારા ઢોર મુક્ત કરવાની વાતો માત્ર કાગળ પર રહી છે.