વડિયા વિસ્તારમાં સરકારી પ્રાથમિક શિક્ષણની કથડતી સ્થિતિ, બાળકો પાડોશના ગામની 5 કિમિ દૂર સરકારી શાળામાં ભણવા બન્યા મજબુર
અધિકારીઓ AC ચેમ્બર માંથી સંચાલન કરતા હોય તેવી સ્થિતિ, ગ્રાઉન્ડની સ્થિતી જાણ્યા વગર નિર્ણયો વારંવાર બદલાય છે તો વડિયાની સરકારી શાળાઓમાં શું ઉણપ છે ??? આ ખામીઓ કોણ દૂર કરશે ??? તાલુકા મથક એવા વડિયાની મિડલ સ્કૂલમાં એક જ રૂમમાં બાળકો ધોરણ 1થી 8નો અભ્યાસ કરે છે.
તો જર્જરિત શાળાનુ મકાન ગમે ત્યારે આફત નોતરે એવી સ્થિતિમાં જો વડિયાની પાંચ સરકારી શાળાને મર્જ કરી બે સુંદર સરકારી શાળા બનાવવામાં આવે તો તમામ પ્રશ્ન પૂર્ણ થઈ શકે !!!!!
એક જ ગામની પાંચ શાળાની બે (કુમાર -કન્યા) સુંદર શાળા બનાવવાનો વિચાર કોઈ અધિકારીને સૂઝતો નહિ હોય…… આવુ થાય તો બંને શાળામાં સંખ્યાના આધારે HTAT આચાર્યની પોસ્ટ પણ શાળાને મળી શકે…
તાલુકા મથક પર 11-12 સાયન્સ અને કોલેજની સુવિધાઓનો અભાવ
હાલ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં કંઈક બદલાવ આવ્યો હોય તેમ ધર્મ, જાતિના રાજકારણથી પર થઈ શિક્ષણના મુદ્દે રાજકારણ ગરમાતું જોવા મળે છે. રોજ એક નવો શિક્ષણનો મુદ્દો સામે આવે અને રાજનીતિ ગરમાઈ છે. ત્યારે વાસ્તવમાં શું ગુજરાતના શિક્ષણની ખરાબ દશા છે ?? છે તો કોના કારણે છે ?? શું તેને સુધારી ના શકાય ?? આ બાબતે કોણ પહેલ કરશે આ બાબતે એક ચર્ચાનો વિષય બને છે. ત્યારે શાળાની ભૌતિક સુવિધાઓ અને ગુણવતા ની બાબતમાં અનેક સવાલો સામે આવે છે.
અમરેલી જિલ્લાના છેવાડા ના ગામ અને તાલુકા મથક કે જ્યાં તાલુકાની મોટાભાગની કચેરીઓ ત્યાં આવેલી છે. તે ગામમાં જ શાળાની હાલત દયનિય જોવા મળી છે. વડિયાની મધ્યમાં ભવાની ચોક પાસે આવેલી મિડલ સ્કૂલના નામથી ઓળખાતી આ શાળામાં ધોરણ 1થી 8માં કુલ 51 બાળકો અભ્યાસ કરે છે. ત્યાં જર્જરિત બિલ્ડીંગના કારણે એક જ રૂમમાં બેસીને તમામ બાળકો અભ્યાસ કરવા મજબુર બને છે. તે રૂમમાં પણ ચોમાસામાં રૂમના તળિયામાંથી પાણી આવતું હોવાથી ખુબ હાલત ખરાબ છે. બીજી બાજુ તાલુકા શાળા, ખેતાણી શાળાના રૂમ પણ નળિયા વાળા છે. બિલ્ડીંગ પણ જુના છે રીનોવેશન માંગે છે ત્યારે વડિયાના લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવા માંગે છે પરંતુ સારી સુવિધાઓ અને કંટ્રોલ વગરના નબળા શિક્ષણને કારણે લોકો પોતાના બાળકોને પડોશના ગામ બાટવાદેવળીની સરકારી શાળામાં ભણવા જવા માટે સ્પેશ્યલ વાલીઓએ એક રીક્ષા મૂકી છે અને ત્યાં બાળકો ભણવા જાય છે. તો શું વડિયાના સરકારી શિક્ષણમાં એવી તે શું ખામી છે કે લોકો 5 કિમિ દૂર સરકારી શાળામાં બાળકોને અભ્યાસ માટે મોકલે છે
ત્યારે વડિયામાં પ્રાથમિક શિક્ષણની ગુણવતા પર અનેક સવાલો ઉપસ્થિત થયા છે. તો એ ખામી, ઉણપ ને શું સુધારી ના શકાય ? ચોક્કસ સુધારી શકાય પરંતુ તેના માટે સ્થાનિક પંચાયત, અને શિક્ષણ વિભાગના સંકલનથી યોગ્ય નિર્ણય ની આવશ્યકતા જરૂરી છે.
હાલ વડિયામાં કુળ પાંચ (5)સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. તમામ શાળાઓ વચ્ચે એક કિમીનું અંતર નથી ત્યારે તે શાળાઓમાં કુલ 510 આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તો આ તમામ શાળાઓને બે વિભાગમાં મર્જ કરી બે સુંદર શાળા કે એક સુંદર આધુનિક બિલ્ડીંગ સુવિધાઓ સાથેની શાળા ચોક્કસ બનાવી શકાય. હાલ વડિયામાં મોંઘીબા કન્યા શાળા કાર્યરત છે તેનું બિલ્ડીંગ પણ સારુ છે તે સ્કૂલમાં કન્યા શાળા અને ગામની મધ્યમાં આવેલી ખેતાની શાળામાં નવા બિલ્ડીંગ સાથે કુમાર શાળા બનાવી શકાય હાલની શંખ્યા જોતા બંને તમામ શાળાઓ મર્જ થતા બંને શાળામાં HTAT આચાર્યની પોસ્ટ પણ ઉભી થઈ શકે એમ છે ત્યારે શિક્ષકો પર ઓફિસ કામનું બીજું ભારણ પણ ઘટશે, પેસેન્ટર શાળાનો વિવાદ પણ પૂર્ણ થશે, સરકારી શાળામાં બાળકોની સંખ્યા પણ વધશે વડિયાના બાળકો નાની વયે જે પાડોશના ગામમાં શિક્ષણની ભૂખ સંતોષવા અપડાઉન કરે છે તેમાંથી પણ તેને છુટકારો મળશે, ખાનગી શાળાઓની ફી માંથી પણ છુટકારો મળશે આવા અનેક ફાયદાઓ એક જ નિર્ણયથી વડિયાના પ્રાથમિક શિક્ષણની શકલ બદલી શકે છે. પરંતુ એસી ચેમ્બરમાં હવા ખાતા અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલ પર આવી વાલીઓ, ગ્રામજનો સાથે સમીક્ષા કરવી પડે આ બાબતે યોગ્ય નિર્ણય લેવો પડે ત્યારે શક્ય બને છે. અન્યથા મોટા ભાગનું ઓન પેપર ચાલે છે, શિક્ષણમાં કઈ દમ નથી, શાળાના મકાનો જર્જરીત હાલતમાં છે, કોઈનો કંટ્રોલ જ ના હોય તેવી વ્યવસ્થા ચાલે છે ત્યારે એમાં શું બાળકોને ભણાવવા મોકલવા આવુ વાલીઓ કહે છે. બાળકો અને વાલીઓ સામે કોઈ એવી સરકારી શિક્ષણની મજબૂત અને સુચારુ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી વડિયા વાસીઓ ઈચ્છી રહ્યા છે. આ માટે સ્થાનિક તંત્ર આગળ આવે તેવી પણ માંગણી કરાઈ રહી છે. સાથે વડિયા એક તાલુકા મથક હોવા છતાં અનેકવાર સરકારી સાયન્સ સ્કૂલ અને કોલેજની માંગણીઓ થઈ છે પરંતુ તે સુવિધાઓ પણ હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી.