Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રિક્ષા લઈને આવવાનું કહી માતા બે બાળકોને વોચમેન પાસે મૂકી ગાયબ થઈ ગઈ

વલસાડ,
નવજાત શિશુને મા-બાપ દ્વારા તરછોડી દેવાયાના કિસ્સા અવાર-નવાર સામે આવતા રહે છે. જાેકે, વાપીમાં એક માતા પોતાની પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષના દીકરાને રિક્ષા લઈને આવું છું તેમ કહી એક ફ્લેટના વોચમેન પાસે મૂકીને ગાયબ થઈ હોવાની ઘટના સામે આવી છે. મહિલા પર વિશ્વાસ રાખી તેના બે બાળકોનું ધ્યાન રાખનારા વોચમેને કલાકો સુધી રાહ જાેયા બાદ પણ બાળકોની માતા પરત ના આવતા આખરે તેણે આ અંગે ફ્લેટવાળાને જાણ કરી હતી.

અપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ બાળકોને તેઓ ક્યાં રહે છે, અને તેમના મા-બાપ કોણ છે તે પૂછવા પ્રયાસ કર્યો હતો પરંતુ ડરી ગયેલા બાળકો કંઈ જવાબ ના આપી શકતા આખરે પોલીસને બોલાવી તેમને સોંપી દેવામાં આવ્યા હતા. જાેકે, પોલીસને પણ બાળકો પાસેથી કોઈ ખાસ માહિતી ના મળી શકતા તેમને વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સોંપી દેવાયા હતા. ઉંમરમાં સાવ નાના આ બાળકો મરાઠી જ સમજે છે. તેમણે માતાપિતાના નામ તો આપ્યા છે, પરંતુ તેનાથી આગળ તેમને પોતાના ઘર કે તેઓ કોઈ સ્કૂલમાં ભણે છે કે કેમ તેની કશીય ખબર નથી. હાલ આ બંને બાળકોને ચીખલીના ખુંધ ખાતે આવેલા શીશુગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે.

બાળકોને મૂકી જનારી મહિલાની પણ પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજના આધારે ભાળ મેળવવા પ્રયાસ શરુ કર્યા છે. આ મહિલા કેવા સંજાેગોમાં બાળકોને તરછોડી ગઈ તે પણ પોલીસ જાણવા મથી રહી છે. બે બાળકોમાંથી છોકરીને નાક પર ઈજાનું નિશાન પણ દેખાઈ રહ્યું છે. જેના વિશે પૂછવામાં આવતા તેણે પિતાએ માર મારતા વાગ્યું હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એવું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે કે, વૈવાહિક જીવનમાં વિખવાદ હોવાના કારણે પણ કદાચ બાળકોની માતા તેમને આ રીતે તરછોડીને જતી રહી હોઈ શકે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *