કાબુલ,
અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો મેળવી લીધો છે. અફઘાન સરકારે તાલિબાન સામે ઘુંટણિયે નમી ગઈ છે. સત્તાના હસ્તાંતરણ બાદ દેશના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે. સો દિવસ કરતાં પણ વધારે દિવસોથી તાલિબાન અને અફઘાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. કાબુલ પર કબ્જો મેળવ્યા બાદ અફઘાન સરકારે તાલિબાન સામે હથિયાર નીચે મુકી દીધા છે. તાલિબાનના નેતા મુલ્લા બરાદાર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીથી સત્તા હસ્તાંતરણ માટે વાત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ અશરફ ગની અલી અહેમદ જલાલીને અફઘાનની સત્તા સોંપશે.
મળતી માહિતી મુજબ તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાનીમાં એન્ટ્રી કરી લીધી છે. સુત્રો અનુસાર ત્રણ અફઘાન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે તાલિબાનો કાબુલની સરહદમાં દાખલ થઇ ગયા છે. તેના પહેલા તાલિબાને તમામ બોર્ડર ક્રોસિંગ પર કબ્જો કર્યો છે. તાલિબાને ટ્રાન્જિશન ફેજ (સત્તા પરિવર્તન)ની માંગ કરી છે.
આ અંગે અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહપ્રધાન અબ્દુલ સત્તાર મિરઝાકવાલે પણ મહોર લગાવી દીધી છે. એક રિપોર્ટ અનુસાર તેમણે જણાવ્યું કે સત્તાનું પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થશે, પરંતુ કાબુલ પર હુમલો નહીં થાય. તેમણે જણાવ્યું કે કાબુલના સુરક્ષાની જવાબદારી સિક્યોરિટી ફોર્સની છે.
તાલિબાન તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, જો શાંતિપૂર્ણ સત્તાનું પરિવર્તન થઈ જશે તો તેઓ કાબુલ પર હુમલો કરશે નહીં. આ ઉપરાંત કોઈને પણ હાની પહોંચાડશે નહી. પરંતુ કાબુલમાં લોકોના મનમાં ભયની દહેશત ફેલાઈ છે. કાબુલમાં રસ્તાઓ પર લોકોની ભીડ ઉમટી પડી છે.