છત્તીસગઢ,
બોલિવુડ ફિલ્મ OMG તો તમામ લોકોએ જાેઈ હશે, અને લોકોને ઘણી પસંદ પણ પડી હતી. હવે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સંસાર ચલાવનાર માણસે બનાવેલી અદાલતમાં ભગવાન કેવી રીતે હાજર થઈ શકે? પરંતુ છત્તીસગઢની એક કોર્ટ ઈચ્છે છે કે, ભગવાન શિવ તેમની કોર્ટમાં હાજર રહે.
છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. ત્યાં તહેસીલ કોર્ટમાંથી એક અનોખો મામલો સામે આવ્યો છે જ્યાં ભગવાન ભોલેનાથને નઝુલ જમીન પર મંદિર બનાવવા મુદ્દે થોડા દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી. તેના જવાબમાં ભગવાન શુક્રવારે તહસીલ કોર્ટમાં પહોંચ્યા હતા. ભગવાન સમયસર પહોંચી ગયા પરંતુ નોટિસ આપનાર અધિકારી જ તહેસીલ કચેરીમાંથી ગેરહાજર રહ્યા હતા. હવે નવી તારીખે ભગવાનને કોર્ટમાં હાજર થવું પડશે. જાેકે, આખી ઘટના એવી છે કે રાયગઢ નગર નિગમ ક્ષેત્રના વોર્ડ નંબર ૨૫ કઉહાકુંડામાં એક મહિલા દ્વારા નઝૂલ ભૂમિ પર ગેરકાયદેસર કબજાને હટાવવા માટે છત્તીસગઢ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે રાયગઢ તહસીલ કોર્ટને સંબંધિત લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. તહસીલ કોર્ટે સંબંધિત લોકોને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી, જેમાં શિવ મંદિર, કૌહાકુંડાને નોટિસ આપવામાં આવી હતી. એવામાં કૌહાકુંડા વોર્ડના સ્થાનિક લોકો શિવલિંગને રિક્ષામાં લઈને નોટિસની કોપીની સાથે તહસીલ કોર્ટમાં હાજર થવા પહોંચ્યા. તહસીલદાર જનસુનાવણીમાં વ્યસ્ત હોવાના કારણે મામલાની સુનાવણી થઈ શકી નહોતી.
આ મામલામાં નાયબ તહસીલદારનું કહેવું છે કે મંદિરને નોટિસ, લિપિકીય ત્રુટિના કારણે આપવામાં આવી હતી. આ મામલામાં અન્ય લોકોને નોટિસ આપવામાં આવી છે. નોટિસની સુનાવણી એપ્રિલ મહીનાની ૧૩ તારીખે થશે.