રાજ્યમાં લઘુમતીઓની સુરક્ષા માટે લઘુમતી આયોગની રચના કરવામાં આવે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
અમદાવાદ, તા.૨૮
આજરોજ વિધાનસભા ગૃહમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. આ ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, નાણા મંત્રી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનું પાછલા વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રૂ. ૨ લાખ ૨૭ હજાર ૦૨૯ કરોડનું હતું, જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પાછલા વર્ષની તુલનામાં બજેટમાં રૂ. ૧૬ હજાર ૯૩૬ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં સરકાર દ્વારા લઘુમતીઓના કલ્યાણ માટે રૂ. ૮,૦૫૮.૬૭ લાખની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે લઘુમતીઓના કલ્યાણ માટે રૂ. ૭,૧૬૧.૩૧ લાખનું બજેટ ફાળવવામાં આવેલ, જે વિભાગની બેદરકારીના કારણે સુધારેલા અંદાજ પ્રમાણે રૂ. ૪,૯૬૧.૩૧ લાખનું થયું, એટલે તેમાં પણ રૂ. ૨,૨૦૦ લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. લઘુમતીઓની વસ્તી વધતી હોય, બજેટનો વ્યાપ વધતો હોય, લોકોની માંગણીઓ વધતી હોય ત્યારે લઘુમતી સમાજના વિકાસ માટે પણ બજેટ વધવું જોઈએ, પરંતુ બજેટ વધવાને બદલે ઘટતું જાય છે અને ઘટતું તો જાય છે પણ તે પૂરેપૂરું વપરાતું પણ નથી.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૭૦ લાખ જેટલા લઘુમતીઓ હાલમાં વસે છે. રાજ્ય સરકારના રૂ. ૮૦.૫૯ કરોડના બજેટને લઘુમતીઓની વસ્તી વડે ભાગીએ તો માથાદીઠ રૂ. ૧૧૫નો ખર્ચ લઘુમતીઓના વિકાસ માટે વર્ષે સરકાર કરશે તેમ કહી શકાય. એમાં ૩૦% કાપ દર વર્ષે સુધારેલા ખર્ચની જેમ મૂકીએ તો માથાદીઠ વર્ષના રૂ. ૭૦થી ૭૫ લઘુમતીઓના સામાજિક, આર્થિક વિકાસ માટે ખર્ચે છે તેમ કહી શકાય. સરકાર લઘુમતીઓના વિકાસ, રોજગારીની તકો ખેંચી લઈ સમાજમાં વિકાસની ખાઈ વધારી રહી છે. વિશેષ જોગવાઈ મુજબ બજેટની ફાળવણી વસ્તીના આધારિત કરવી જોઈએ તેવી માંગણી ગ્યાસુદ્દીન શેખે કરી હતી.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌનો સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસની વાત થાય છે. ત્યારે તે કેવી રીતે શક્ય બનશે? વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં રૂ. ૬૫.૧૬ કરોડની જોગવાઈ કરેલ હતી, જેની સામે રૂ. ૧૨.૯૪ કરોડની રકમ વણવપરાયેલ રહી. વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રૂ. ૧૦૪.૩૬ કરોડની જોગવાઈ સામે રૂ. ૭૬.૮૦ કરોડની રકમ વણવપરાયેલ રહી. વર્ષ ૨૦૨૦-૨૧ કરતાં વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂ. ૩૨ કરોડની ઓછી જોગવાઈ કરી હતી. કોઈપણ સમાજનો વિકાસ કરવો હોય તો વસ્તી આધારિત બજેટની ફાળવણી થવી જોઈએ, પરંતુ ગુજરાત રાજ્યમાં લઘુમતીઓની વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી નહીંવત્ છે. સરકાર લઘુમતીઓ સાથે ભેદભાવ કરે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં લઘુમતીઓના વિકાસ માટે લઘુમતી વિભાગનું મંત્રાલય છે, તેવી રીતે ગુજરાતમાં પણ લઘુમતી મંત્રાલય બનવું જોઈએ અને તેના માટે પૂરતું બજેટ ફાળવવું જોઈએ અને ફાળવ્યા પછી તેનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ.
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં બે-એક દિવસ પહેલાં લઘુમતી સમાજનો યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો, જેમાં દીકરીઓ પણ હતી, ત્યારે કેટલાક કટ્ટરવાદીઓને આ ન ગમતા લઘુમતી સમાજના યુવાનને ઢોર માર મારવામાં આવ્યો. દીકરીના પિતાએ પણ પોલીસમાં નિવેદન આપેલ કે, અમારા તો પારિવારિક સંબંધો છે, અમારે તેવું કંઈ નથી. દીકરીના પિતાએ આવું નિવેદન આપ્યા છતાં આજદિન સુધી સામે મારામારી કરનાર કટ્ટરવાદીઓ સામે ગુનાની ફરિયાદ નોંધવામાં આવી નથી. આ ઘટના બની છે તે કમનસીબ ઘટના છે. આ ઘટનામાં સંડોવાયેલ કટ્ટરવાદીઓ સામે તાત્કાલિક ફરિયાદ નોંધી તેમની સામે પગલાં લેવા જોઈએ તેવી માંગણી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કરી હતી.
રાજ્યમાં બનતી મોબ લીન્ચીંગ સહિત લઘુમતી સમાજ પર હુમલાઓની ઘટનાઓને કાબુમાં લેવા માટે લઘુમતી આયોગની રચના કરવી જોઈએ અને જ્યાં આવી ઘટનાઓ બનતી હોય ત્યાં જવાબદારો સામે તાત્કાલિક ફરિયાદ નોંધી પગલાં લેવા જોઈએ તેવી માંગણી પણ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કરી હતી.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ કમનસીબ ઘટના બને ત્યારે અમુક નેશનલ ચેનલો અને વર્તમાનપત્રો આવી ઘટનાઓને જે રીતે વિકૃત સ્વરૂપ આપે છે તે ઘણી દુઃખદ બાબત છે. કોઈપણ બહેન-દીકરી સાથે બળજબરી થાય, તેની સાથે છેતરપીંડી થાય, તેવી ઘટનાઓમાં જવાબદારને ફાંસીએ ચઢાવવા જોઈએ. આ એક સામાજીક સમસ્યા છે, પરંતુ આવી ઘટનાઓમાં એક જ સમાજને બદનામ કરવો યોગ્ય નથી. હિન્દુ સમાજની બહેનોએ ધર્મ પરિવર્તન કરીને લગ્ન કર્યા છે ત્યારે છેલ્લા બે વર્ષમાં ૧૦૦થી વધારે લઘુમતી સમાજની યુવતીઓ-દીકરીઓએ હિન્દુ ધર્મ અંગીકાર કરીને લગ્નો કર્યા છે. સામાજીક સમસ્યાનો સામાજીક રીતે જ ઉકેલ લાવવો જોઈએ. સોશ્યલ મીડીયામાં જે રીતે ધમકીભર્યું વાતાવરણ ઉભું કરવામાં આવે છે તેને સંપૂર્ણ રીતે કાબુ કરવામાં આવે. સોશ્યલ મીડીયાના કારણે ઘણીબધી સામાજીક સમસ્યાઓ ઉદ્ભવે છે, સરકારે આવા કિસ્સાઓમાં સુઓમોટો ફરિયાદ દાખલ કરવી જોઈએ.
૧૯૯૯થી સ્થપાયેલ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમમાં રૂ. ૨૦ કરોડની શેરમૂડી છે. રાજ્ય સરકારે સ્થાપનાથી ૨૩ વર્ષમાં નિગમને માત્ર રૂ. ૬૦.૮૭ કરોડનું ભંડોળ આપેલ છે. સ્વરોજગારીના ધંધા, વ્યવસાય અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે રૂ. ૧૨૩ કરોડ આપ્યા છે. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા નિગમને રૂ. ૧૫૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવે તો નિગમનો મુખ્ય ઉદ્દેશ સ્વરોજગાર માટે નાના ધંધા રોજગારને મુદ્દતી ધિરાણ અને વિદ્યાર્થીઓને ભણવા માટે લોન સમયસર રીતે મળે તો જ લઘુમતી સમુદાયનો વિકાસ થશે.
વધુમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સરકાર સમક્ષ માંગણી કરતાં જણાવ્યું હતું કે,
રાજ્યમાં લઘુમતીઓની વસ્તી આધારિત બજેટ ફાળવવામાં આવે.
રાજ્યમાં લઘુમતી વિકાસ મંત્રાલયની રચના કરવામાં આવે.
રાજ્યના મદ્રેસાઓ ધાર્મિક સહિત આધુનિક શિક્ષણ આપવા માંગતા હોય તો તેમને ગ્રાન્ટેબલ બનાવવા જોઈએ.
લઘુમતીઓની શિષ્યવૃત્તિ યોજનાઓ માટે આવકમર્યાદામાં વધારો કરવામાં આવે.
રાજ્યમાં લઘુમતીઓની સુરક્ષા માટે લઘુમતી આયોગની રચના કરવામાં આવે.
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને પૂરતી ગ્રાન્ટ આપવી જોઈએ.
રાજ્યમાં હજ સમિતિની રચના કરવામાં આવે.
લઘુમતી સમાજના હાજીપીર, શાહેઆલમ, ભડીયાદ પીર જેવા ધર્મસ્થાનોનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે.
વકફ બોર્ડને ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે.
લઘુમતીઓ માટે તેમના વિસ્તારની આજુબાજુમાં એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ બનાવવામાં આવે.
વડાપ્રધાનના ૧૫ મુદ્દા કાર્યક્રમના અમલીકરણ માટે રાજ્યમાં જિલ્લા સમિતિની રચના કરવામાં આવે.