આગમાં ઘરવખરી સહિત પુત્રના લગ્નનો સામાન બળી જતા પરિવાર મુશ્કેલીમાં મૂકાયો, આ વિસ્તારનાં લોકોએ પાલિકા કચેરી પહોચી નુકશાનનાં વળતર માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી
સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા ડેમમાંથી ઉપરવાસમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે એકાએક 18 લાખ કયુસેક જેટલું પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી ગયું હતું અને કાંઠા વિસ્તાર અને ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. અનેક ઠેકાણે તારાજી સર્જાઇ હતી, અને તંત્ર દ્વારા બચાવ કામગીરી પણ ખૂબ ઝડપી કરવામાં આવી હતી.
રવિવારે સાંજે રાજપીપળાનાં કુંભારીયા ઢોડ પર આવેલા 50 જેવા ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા બાદ 15 જેવા લોકોને નાવડી મારફતે પાલીકા ટીમે રેસકયુ કરી બહાર કાઢ્યા હતા. જો કે, આ વિસ્તારોમાં પાણી આવી જતા વીજ પુરવઠો બંધ હતો પરંતુ સોમવારે વહેલી સવારે પાણી ઓસરી ગયા બાદ અચાનક લાઈટ ચાલુ થતાં ત્યાંના એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. જેમાં ઘરનો સામાન અને મકાન માલિકના દીકરાના લગ્નનો સામાન બધો બળી જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું.
પાણી તેમજ આગનાં કારણે થયેલા મોટા નુકશાનના વળતર મુદ્દે સ્થાનિક રહીશોએ રાજપીપળા નગરપાલિકા કચેરી પહોંચી મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાંને મળ્યા બાદ વળતર મુદ્દે રજૂઆત કરી હતી.