સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં કુલ આઠ ડેન્ગ્યુનાં કેસ નિકળ્યા
ખોટા રિપોર્ટ બનાવી દર્દી સાથે છેતરપીંડી કરતા લે ભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિક આગેવનોની માંગ
શું આ ખાનગી લેબોરેટરીની ડોકટરો સાથે સાઠગાંઠ તો નથી..? ખરેખર આ તપાશનો વિષય છે…
સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા જિલ્લામાં હાલમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે, તેવામાં નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડ્યા બાદ રોગચાળો ના ફાટે એ માટે આરોગ્ય વિભાગ તકેદારી લઈ રહ્યું છે. પરંતુ હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ડેન્ગ્યુનાં દર્દીઓ નિકળતાં આરોગ્ય વિભાગે તેનો સર્વે પણ શરૂ કર્યો છે. જો કે, સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં ડેન્ગ્યુનાં આઠ દર્દીઓ સામે આવ્યા છે. આ સરકારી લેબોરેટરીનાં ટેસ્ટ મુજબ છે. પરંતુ અમુક ખાનગી લેબોરેટરીના રિપોર્ટ ખોટા બનતા હોવાની બૂમો પણ સંભળાઈ રહી છે.
રાજપીપળામાં આવેલી એક ખાનગી લેબોરેટરીમાંથી ડેન્ગ્યુ ટેસ્ટના લગભગ બધા રિપોર્ટ પોઝિટિવ બતાવવામાં આવે છે અને અમુક ડોકટર સાથે સાઠગાંઠ કરી તગડી કમાણી થઈ રહી હોવાની બૂમ ઉઠવા પામી છે. ત્યારે જો આ વાતમાં થોડું પણ તથ્ય હોય તો આરોગ્ય વિભાગે આવી લેબોરેટરીની સામે પગલાં લઈ કડક કાર્યવાહી કરવી બને છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં માત્ર આઠ ડેન્ગ્યુનાં પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે ત્યારે ખાનગી લેબનાં રિપોર્ટ મુજબ તો ખાસ કરીને રાજપીપળા શહેરમાં અનેક દર્દીઓ ડેન્ગ્યુ પોઝીટીવ નિકળ્યા હશે ત્યારે આવા ખોટા રિપોર્ટ બનાવી તગડી કમાણી કરવાનો આશય રાખતા તત્વો જો તપાસ બાદ કસૂરવાર ઠરે તો નિયમ મુજબ આવી લેબ સામે કડક કાર્યવાહી કરી સિલ મારવી જોઈએ તેવું સ્થાનિક આગેવાનોનું માનવું છે.
આ ખાનગી લેબ ખોટા રિપોર્ટ બનાવે છે એ મુદ્દે આરોગ્યનાં એક અધિકારી સાથે ચર્ચા કરી તો તેમને ઓફ ધ રેકોર્ડ આ વાતને સાચી બતાવીને જણાવ્યું કે, અમારી પાસે પણ આ લેબોરેટરીની ફરિયાદો આવી છે માટે અમે આ માટે તપાસ કરી જરૂરી પગલાં લઈશું. પરંતુ અમે ડેન્ગ્યુ કે, અન્ય કોઈપણ મોટા રોગમાં ખાનગી રિપોર્ટ માન્ય નથી રાખતા અને અમે દર્દીને સરકારી દવાખાનામાં જ રિપોર્ટ કરાવવા જણાવીએ છીએ.