સુરતમાં ગરમીથી જાનૈયાઓને બચાવવાનો અનોખો કીમિયો સામે આવ્યો હતો..જેમાં હરતો ફરતો મંડપ રાખી ફેરવવામાં આવી રહ્યો હતો
સુરત,
સુરતના રસ્તા પર નીકળેલા વરઘોડાએ ભારે આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું. વાઈરલ થઈ રહેલા વીડિયો પ્રમાણે વરઘોડાની સાથે-સાથે મંડપ પણ ચાલી રહ્યો છે. જેને કારણે જાનૈયાઓને નાચવામાં તકલીફ ન થાય અને ગરમીનો અનુભવ ખૂબ ઓછો થાય. જાનના વરઘોડાનો આ અનોખો કિમિયો હાલ સોશિયલ મીડિયામાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
સુરતમાં વરઘોડા સાથે આખો મંડપ પણ ચાલી રહ્યો હતો. આ દ્રશ્યો ક્યારેય આપણે જોયા ના હોય તે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યા હતા. કાળઝાળ ગરમીમાં પણ જાનૈયાઓ ખૂબ જ મોજ મસ્તીથી નાચતા જોવા મળ્યા હતા. કારણ કે, તેમના માથા ઉપર મંડપનો આશરો હતો. તેના કારણે ગરમી તેમને લાગતી ન હતી. ગરમીથી બચવા માટેનો અનોખો પ્રયોગ જાણે સુરતના વરરાજાએ કર્યો હોય તેઓ આ વીડિયોમાં દેખાય છે.
સુરતીઓ દરેક મુશ્કેલીને અવસરમાં બદલી નાખવા માટે જાણીતા છે. પછી તે લગ્ન પ્રસંગ કેમ ન હોય. ભલે આગ ઝરતી ગરમીથી ધરાવતા હોય પરંતુ લગ્ન પ્રસંગમાં મોજ મસ્તીની એક પણ તક ગુમાવ્યા વગર તેને કોઈ પણ ભોગે માની લેવાની જાણે જીદ હોય તેઓ વીડિયો વાઈરલ થયો છે. વરઘોડાની સાથે સતત મંડપ ચાલતો જોઈને આસપાસના રાહદારીઓ પણ જોતા રહી ગયા હતા. આ નવતર પ્રયોગને બધા રમૂજપૂર્વક આવકારતા હોય તેવી પણ ચર્ચા કરતા દેખાયા.