સુરત,
ન્યુઝ પેપરમાં કોમલ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી યુવાવર્ગને ફ્રેન્ડશિપ અથવા તો ચેટિંગ કરવાની લોભામણી વાતો કરીને અલગ અલગ ચાર્જના નામે છેતરપીંડી કરનાર ગેંગને સુરત સાઇબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના મુખ્ય સાગરિતના એકાઉન્ટમાંથી રૂપિયા એક કરોડ ૬૭ લાખનુ ટ્રેન્જેકશન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત તેમની પાસેથી અલગ અલગ કંપનીના ૬ મોબાઇલ, ૯ ચેકબુક તથા ૫ એટીએમ કાર્ડ કબ્જે કરવામા આવ્યા છે.
સુરતના સગ્રામપુરા વિસ્તારમાં રહેતો અજય રાઠોડ મજુરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. વર્ષ ૨૦૨૦માં અજયભાઇએ એક ન્યુઝ પેપરમાં કોમલ બ્યુટી પાર્લર નામની એડ વાંચી હતી. જેમા મહિલા સાથે મિત્રતા કરવા તથા ચેટિંગ કરવા માટે ફેન્ડશીપ કલબમાં જાેડાવવા માટે લોભામણી સ્કીમો આપવામા આવી હતી. આ એડ વાચી અજયએ જાહેરાતમા આપેલ નંબરના આધારે યુવતીને કોલ કર્યો હતો. જ્યાં યુવતી દ્વારા ગેટ પાસ તથા ગેસ્ટ હાઉસ ચાર્જના નામે તેમની પાસેથી રૂપિયા ૬૯ હજાર પડાવી લેવામા આવ્યા હતા. જે અંગે અજયે સુરત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમની ટીમે તપાસ શરુ કરી હતી. જે તપાસમાં મુંબઇમા રહેતા રામ આશિષ તથા સુષમા શેટ્ટી નામની મહિલાને મુંબઇથી ઝડપી પાડવામા આવી હતી. બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે રામ આષિશ ફર્નિચરનું ઇન્ટીરીયરનું કામ કાજ કરતો હતો, જ્યાં સુષમા પણ કામ કરતી હતી. શોર્ટ કટ રસ્તે પૈસા કમાવવા માટે તેમને આ પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે બંનેના બેંક એકાઉન્ટની તપાસ કરતા રામ આશિષના એકાઉન્ટમા અત્યાર સુધી રૂપિયા ૧ કરોડ ૬૭ લાખનું ટ્રાન્જેકશન થયુ હોવાનું બહાર આવ્યું હતું. આ સાથોસાથ અલગ અલગ કપંનીના ૬ મોબાઇલ, ૯ ચેકબુક તથા ૫ એટીએમ કાર્ડ પણ મળી આવતા કબ્જે લેવાયા છે. હાલ સાઇબર ક્રાઇમ પોલીસે બંનેને કોર્ટમા રજુ કરીને રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. જાે બંનેની કડક પુછપરછ કરવામા આવશે તો સમગ્ર દેશમા ચાલી રહેલા મસમોટા કૌભાંડનો પર્દાફાશ થશે તેવી પુરેપુરી શકયતા વ્યકત કરવામા આવી છે.