આબુધાબી
ભારતમાં કોરોના વાયરસ મહામારીથી પરિસ્થિતિ વિકરાળ બની છે તેની વચ્ચે દુનિયાભરના કેટલાંય દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે UAEએ ભારતના પ્રત્યે એકજૂથતા દેખાડવા માટે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગમાંથી એક બુર્જ ખલીફાને તિરંગાના રંગે રંગી દેવાયું. એટલું જ નહીં યુએઇએ અબુધાબીની રાષ્ટ્રીય ઓઇલ કંપનીના ટાવરને પણ તિરંગામાં દેખાડયું. આ બંને બિલ્ડિંગ્સ પર હેશટેગની સાથે #StayStrongIndiaનો મેસેજ પણ દેખાયો.
UAEની આ બિલ્ડિંગ્સ પર છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતના સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ અને ગાંધી જયંતીના અવસર પર તિરંગાના રંગમાં પ્રદર્શિત કરાય છે. પરંતુ એવું પહેલી વખત બન્યું કે આ દેશે ભારતના પ્રત્યે પોતાનું સમર્થન આ રીતે વ્યકત કર્યું હોય.
ભારત અને UAEના સંબંધ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા મજબૂત થયા છે. પાકિસ્તાન જ્યારે જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવાયેલા ર્નિણયની વિરૂદ્ધ વૈશ્વિક સમુદાયને ભડકાવાની કોશિશમાં લાગી ગયું હતું તે સમયે પણ યુએઇ ભારતની સાથે ઉભેલું દેખાયું. UAEએ ૫ ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવાના ર્નિણયને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.