(હર્ષદ કામદાર)
દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આમ પ્રજા મોંઘવારીમાં પીસાતા ત્રસ્ત થઈ ગઈ છે અને પરેશાન છે. બીજી તરફ બેરોજગારી વધતી ચાલી છે જેનાથી આમ પ્રજા ત્રસ્ત છે… પરંતુ ભાજપ- કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને તેની ચિંતા હોય તેવું લાગતું નથી કે અનુભવાતુ નથી… પરંતુ તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને પોતાના લાભા-લાભની ચિંતા રહેતી હોય છે….! આમ પ્રજાનું જે થવું હોય તે થાય… તેવી રીતે તમામ રાજકીય પક્ષોની રહી છે…..! તાજેતરમાં સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકા વધારો કરી ૨૮ ટકા કરતા સરકારી તિજાેરી પર બોજાે વધી ગયો છે, અને સરકાર પર આ કારણે પડનારા બોજની વાતો ખૂદ રાજ્ય સરકાર કરે છે…. પરંતુ જે પ્રજાના પ્રતિનિધિઓ લોકોની સેવા માટે ચૂંટાયા છે તેમને પણ આ મોંઘવારી ભથ્થા વધારાનો લાભ મળશે ઉપરાંત સરકારે પગાર વધારો કર્યો છે જેનો લાભ આગામી ઓકટોબરથી મળવાનું શરૂ થઈ જશે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરવાની જાહેરાત કરતા જણાવેલ કે આ વધારાને કારણે સરકારી તિજાેરી પર રૂપિયા ૩૭૮ કરોડનો બોજ પડશે. તેમજ કર્મચારીઓને કરવામાં આવેલ મોંઘવારી ભથ્થાનો વધારો સપ્ટેમ્બર મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે. તેમજ જુલાઈ માસથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાનુ એરિયર્સ ઓક્ટોબર મહિનાના પગાર સાથે જ આપવામાં આવશે. એજ રીતે ઓગષ્ટ માસનુ મળવાપાત્ર એરિયર્સ જાન્યુઆરી ૨૦૨૨ના પગાર સાથે કરવામાં આવશે…. મતલબ સરકારી કર્મચારીઓને દિવાળી જ દિવાળી….! ત્યારે બીજી તરફ આપણા ચૂંટાયેલા ધારાસભ્યો અને મંત્રીઓને મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકા વધારા સાથે મંત્રીઓના પગારમાં રૂપિયા ૧૦ હજાર પગાર વધારો અને ધારાસભ્યના પગારમાં રૂપિયા. ૮ હજાર વધાર્યા છે. જેથી મંત્રીઓને માસિક રૂપિયા ૧ લાખ ૩૭ હજાર અને ધારાસભ્યોને રૂ. ૧ લાખ ૧૧ હજારનો પગાર મળતો થઈ જશે. જાે કે આ પ્રજાના પ્રતિનિધિઓના પગાર વધારા અને મોંઘવારી વધારાથી તિજાેરી પર કેટલો બોજ પડશે તે કહેવામાં નથી આવતું….. એક વાર ચૂંટાયા પછી તેઓને પુનઃ ચૂટાવાની માયા લાગી જાય છે અને એ કારણે ચૂંટણીની ટિકિટ કપાતા હોહા મચાવી દે છે…. ટૂંકમાં સેવાના નામે મેવા મળે છે આપણા આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પગાર-ભથ્થા ઉપરાંત સરકારી બંગલો, ટપાલ ખર્ચ, મોબાઇલ બીલ, વિજળી બીલ, મત વિસ્તારમાં પ્રવાસ માટેનો ખર્ચ વગેરે તેમજ પોતાને તથા પરિવાર જનોને તબીબી સેવાના લાભો મળેછે જે તમામ ખર્ચ સરકાર ચુકવે છે. અને સરકારમાં નાણાં આવે છે આમ પ્રજાના વિવિધ ટેક્સમાંથી…..હવે કહો આપણે ચૂંટેલા આપણા પ્રતિનિધિ સેવકોનો બોજ કોના શીર પર કહેવાય….?!
જે પ્રકારે આપણા ધારાસભ્યોને લાભ મળે છે એ જ રીતે સંસદ સભ્યોને પણ લાભ મળે છે..... ઉપરાંત ધારાસભ્ય પછી સાંસદ તરીકે ચૂંટાય તો ધારાસભ્ય તરીકેનુ પેન્શન અને તેમાં સાંસદ સભ્ય તરીકે ચૂંટાય તો સંસદ સભ્ય પદ પૂર્ણ થતાં સાંસદ તરીકે પેન્શન મળે..... મતલબ ધારાસભ્ય અને સાંસદ તરીકેના બંન્ને પેન્શનનો લાભ મળે છે.અને તે પણ આમ પ્રજાના ટેક્સના પૈસે.....!
વંદે માતરમ્