સતારા,
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ઝડપ હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે પણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કોરોના સંક્રમણના કેસો વધુ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. આ વધતાં કેસોને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પ્રશાસને સંપૂર્ણ લોકડાઉન લાગુ પાડ્યું છે. શનિવારથી આઠ દિવસ સુધીનું લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે.
તંત્રના આદેશ મુજબ જિલ્લામાં ચાર સ્તરનું પ્રતિબંધ લગાડવામાં આવ્યું છે. આ દરમ્યાન માત્ર જરૂરિયાતની વસ્તુઓ પર જ છૂટ આપવામાં આવી છે. પણ આવનાર આઠ દિવસ સુધી બીજી બધી જ પ્રક્રિયાઓ પર રોક લગાડવામાં આવ્યો છે. આ નિયમ મુજબ સોમવારથી લઈ શુક્રવાર સુધી આંશિક લોકડાઉન રહેશે. જ્યારે શનિવારે અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. આટલું જ નહીં, સતારાની સાથે સાથે જે પણ જિલ્લાઓમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં જરૂરિયાત મુજબ સંપૂર્ણ તથા આંશિક લોકડાઉન લાગુ પાડવામાં આવી રહ્યા છે.
સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, અને અહમદનગર આ બધા જિલ્લાઓમાં લોકડાઉન લાગુ પાડવામાં આવેલ છે. આ ઉપરાંત મુંબઈ, પૂણે, થાણે, કલ્યાણ, ડોમ્બીવલી, પીંપરી, નાસિકમાં નગર પાલિકા દ્વારા સંપૂર્ણ લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર દેશના એવા રાજ્યોમાંથી છે જ્યાં કોરોનાના વધુ કેસો સામે આવી રહ્યા છે. શનિવારે મહરાષ્ટ્રમાં ૯૪૮૯ નવા કેસો સામે આવ્યા છે. આ આંકડા પછી કુલ કેસોની સંખ્યા ૬૦,૮૮,૮૪૧ થઈ ગઈ છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુ આંક ૧,૨૨,૭૨૪ થઈ ગઈ છે.