વિધિ કરવામાં ભુવાએ દારૂની બોટલ, મટન અને કુંવારી છોકરીની માગ કરી હતી
રાજકોટ,
ભૂવાઓ તંત્ર-મંત્ર અને મેલી વિદ્યાના નામે અનેક લોકો સાથે ઠગાઇ આચરતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. છતાં લોકો અંધશ્રદ્ધામાં દોરવાઇ ભૂવાના ચક્કરમાં પોતાના લાખો રૂપિયા ગુમાવી રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જેમાં ભૂવાએ મેલી વિદ્યાની વિધિ કરવાના બહાને યુવક પાસેથી ૮ લાખ રૂપિયા પડાવી લીધા.
રાજકોટમાં અંધશ્રદ્ધામાં વધુ એક યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા છે. જેથી ભોગ બનનાર યુવકે અરૂણ સાપરિયા ઉર્ફે ગુરજી ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનાર યુવકનો આક્ષેપ છે કે, પારિવારિક મુશ્કેલી હોવાથી અરૂણ સાપરિયા ઉર્ફે ગુરજી સાથે સંપર્ક થયો હતો. દરમિયાન કામ અઘરું હોવાનું કહી ભુવાએ અન્ય વિધિ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં ભુવાએ વિધિમાં દારૂની બોટલ, મટન અને કુંવારી છોકરીની માગ કરી હતી અને કટકે કટકે આઠ લાખ રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા આપ્યાં છતાં કોઇ કામ ન થતાં પીડિતને ગામમાં ભુવા અંગે તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન ભુવો ઠગ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ભોગ બનનાર યુવકે ભુવા પાસેથી પોતાના રૂપિયા પરત માગ્યા હતા. જાે કે, ભૂવાએ રૂપિયા પરત આપવાને બદલે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પીડિત યુવકે અરૂણ સાપરિયા ઉર્ફે ગુરજી નામના ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તો આરોપી અરૂણ સાપરિયાએ ભોગ બનનારના તમામ આક્ષેપ ફગાવ્યાં છે. આરોપીએ દાવો કર્યો કે, મનિષ લોટિયા દારૂ પીને તેના ઘરે આવીને દંગલ મચાવ્યું હતું અને ઘરે આવવા મનાઇ કરી હતી. જેનો ખાર રાખી મને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે. મે કોઇ રૂપિયા પડાવ્યાં નથી. તો બીજી તરફ ઠગ ભુવા સામે વિજ્ઞાન જાથાએ કડક કાર્યવાહીની માગ કરી છે. વિજ્ઞાન જાથા પણ ભુવા સામે પુરાવા એકત્ર કરવા તપાસ કરશે. સાથે જ લોકોને ખોટી લોભ લાલચમાં ન આવવા અપીલ કરી છે.