ભૂજ,
ભુજ શહેરમાં એક હાહાકાર મચાવતો બનાવ બન્યો છે. અહીં એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા વ્યક્તિએ લોહીથી દીવાલ પર સુસાઇડ નોટ લખી હતી. આ દ્રશ્ય જાેઈને ખુદ પોલીસ પણ ચોંકી હતી. જે પણ વ્યક્તિએ આ દ્રશ્ય જાેયું તે બે ઘડી અવાક થઈ ગયું હતું. આપઘાત કરનાર વ્યક્તિ ભુજ નગરપાલિકાનો સફાઈ કામદાર હોવાનું માલુમ પડ્યું છે. સફાઈ કામદારે પોતાના ઘરે લોખંડની કમાન સાથે દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. સફાઈ કામદારના આપઘાતથી તેના બે સંતાન નોધારા બન્યા છે. આપઘાત કરી લેનાર વ્યક્તિના પત્નીનું પહેલા જ નિધન થઈ ચૂક્યું છે. બનાવ બાદ ભુજ નગરપાલિકાના કર્મચારીઓ અને આસપાસના લોકો મૃતકના ઘરે દોડી આવ્યા હતા.
આપઘાત કરી લેનાર સફાઇ કામદારનું નામ મુકેશ બંસી સોનવાલ છે. મુકેશની ઉંમર ૩૦ વર્ષ હતી, તેમજ તે પરિણીત હતો. લગ્ન જીવનથી તેને સંતાનમાં દીકરો અને દીકરી છે. મુકેશની પત્નીનું નિધન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. મુકેશ પરિવાર સાથે ભુજના આરડીયા સર્કલ, રાજુનાગર ખાતે રહેતો હતો અને ભુજ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો.
આ મામલે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કર્મચારીએ નગરપાલિકાનો પગાર બાકી હોવાથી આવું પગલું ભરી લીધું છે. નગરપાલિકાના અન્ય એક કર્મચારીના જણાવ્યા પ્રમાણે તેમણે ૪૨ દિવસનો ઓવરટાઇમનો પગાર નગરપાલિકા પાસેથી લેવાનો બાકી નીકળે છે. આ મામલે હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ શરૂ કરી છે. દીવાલ પર સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લેવાનો કિસ્સો હાલ આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપઘાતના બનાવ બાદ નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
મુકેશે આપઘાત પહેલા પોતાના લોહીથી ઘરની દીવાલ પર સુસાઇડ નોટ લખી હતી. જાેકે, મુકેશે દીવાલ પર શું લખ્યું છે તે સ્પષ્ટ વાંચી શકાતું નથી. બે દીવાલ પર લખેલા શબ્દોમાંથી નગરપાલિકા અને ૩૦,૦૦૦ જેવા શબ્દો સ્પષ્ટ વાંચી શકાય છે. એવી પણ માહિતી મળી છે કે મુકેશને નગરપાલિકા નવ હજાર રૂપિયા જેટલો પગાર ચૂકવતી હતી. જેના પૈસા તેણે નગરપાલિકા પાસેથી લેવાના બાકી નીકળતા હોવાની ચર્ચા છે. આ મામલે નગરપાલિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પોલીસ તપાસ બાદ જ આ મામલે વધારે ખુલાસો થઈ શકે છે.