રીક્ષા સાથે જ મસમોટા ભુવામાં પડેલા રીક્ષા ચાલકને લોકોએ હેમખેમ બહાર કાઢ્યો
ક્રેનની મદદથી રીક્ષાને કાઢવામાં આવી, રિક્ષા ચાલકનો આબાદ બચાવ
ભરૂચ,
ભરૂચના કોલેજ રોડ પર વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી ગઈ હતી. ભરૂચના કોલેજ રોડ ઉપર ડી માર્ટ સામે રવિવારે એક રીક્ષા ચાલક આવ્યો હતો. રોડને અડીને આવેલી વરસાદી કાંસના સ્લેબ ઉપર તે રીક્ષા પાર્ક કરી ઉભો રહ્યો હતો. જે વેળા ધડાકા સાથે સ્લેબ તૂટી પડવા સાથે આખે આખી રીક્ષા કાંસમાં ગરક થઈ ગઈ હતી. રીક્ષા ચાલકે બુમરાણ મચાવતા અને ઘટનાના અવાજથી આસપાસ ટોળે ટોળાં ભેગા થઈ ગયા હતા. રીક્ષા સાથે જ મસમોટા ભુવામાં પડેલા રીક્ષા ચાલકને લોકોએ હેમખેમ બહાર કાઢ્યો હતો. જેને નાની મોટી ઇજા થઇ હતી. જો કે સદનસીબે તેનો બચાવ થયો હતો.
મોટા ભુવામાં ઉતરી ગયેલી રીક્ષાને બહાર કાઢવા ક્રેન બોલાવવામાં આવી હતી. તંત્ર દ્વારા હલકી કક્ષાની કામગીરીના કારણે આજે એક વ્યક્તિનો જીવ જતા બચી ગયો હતો. આજે રવિવારે કોલેજ રોડ ઉપર ખાણી પીણીને લઈ ભારે ભીડ ઉમટતી હોય જો સાંજે આ બનાવ બન્યો હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શક્ત તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.