વડોદરા,તા.૩૦
સમગ્ર દેશ હાલ મહામારી કોરોના વાઈરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. કોરોનાના કહેરથી હજું માંડ ઉગર્યા, ત્યાં બ્લેક ફંગસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના ૧૧ હજારથી વધુ કેસો સામે આવી ચૂક્યાં છે. બ્લેક ફંગસ બાદ હવે કોરોનાના દર્દીઓ વધુ એક બીમારીમાં સપડાઈ રહ્યાં છે. આ નવી બીમારીનું નામ “એસ્પરગિલોસિસ” છે. બ્લેક ફંગસના જેમ જ “એસ્પરગિલોસિસ” પર કોવિડ-૧૯થી રિકવર થયેલા દર્દીઓમાં જ જાેવા મળે છે.
દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના કેસો અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે. બ્લેક ફંગસના કેસ ગુજરાતમાં ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતના વડોદરામાં બ્લેક ફંગસના ૨૬૨ નવા કેસો સામે આવ્યાં છે. જે પૈકી ૮ લોકો એક નવા ફંગસ “એસ્પરગિલોસિસ”થી પીડિત જણાયા છે. કોરોના મહામારી વચ્ચે અન્ય અનેક પ્રકારના ફંગલ ઈન્ફેક્શન ચિંતાનો વિષય બન્યાં છે.
સેન્ટર ફોર ડિસીઝ કંન્ટ્રોલના જણાવ્યા મુજબ, “એસ્પરગિલોસિસ” એસ્પરગિલસના કારણે થતું એક સંક્રમણ છે. જે એક સામાન્ય પ્રકારની ફૂગ છે, જે ઘરની અંદર અને બહાર રહે છે. સામાન્ય રીતે તે તૂટેલા પત્તા અને સડેલી વસ્તુઓ પર પેદા થાય છે. આ સંક્રમણ એવા લોકોમાં જાેવા મળી રહ્યું છે, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે.
આ ફંગસ આપણા શ્વાસ થકી શરીરની અંદર પ્રવેશ કરે છે. જે ફેફસાની બીમારીથી પીડિત દર્દીઓ કે નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકો માટે વધારે ખતરારૂપ હોય છે. એક્સપર્ટનું માનવું છે કે, આ બ્લેક ફંગસ સંક્રમણથી ઓછુ જાેખમી છે, પરંતુ તેને હળવાશથી ના લઈ શકાય.