નવી દિલ્હી,
બિહાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડી સામ-સામે મેદાનમાં છે જ્યારે એનડીએ એક થઈને ચૂંટણી લડી રહ્યા છે. એવામાં કોંગ્રેસે ચૂંટણી માહોલ બનાવવા માટે કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ જેવા યુવા ચહેરાને રણભૂમિમાં ઉતાર્યા છે. તારાપુરમાં આ નેતા ૨૩થી ૨૫ ઓક્ટોબર સુધી કોંગ્રેસ ઉમેદવાર રાજેશ મિશ્રાના પક્ષમાં ચૂંટણી માહોલ તૈયાર કરશે. જે બાદ ૨૬થી ૨૮ ઓક્ટોબર સુધી આ નેતા કુશેશ્વર સ્થાનમાં રહેશે. જ્યાં તેઓ અતિરેક કુમાર માટે જનતા પાસે મત માગશે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની સાથે જ આ ત્રણેય યુવા નેતાઓની પણ પરીક્ષા થશે. ખાસ કરીને કન્હૈયા કુમારને લિટમસ ટેસ્ટમાંથી પસાર થવુ પડશે. તેથી પેટાચૂંટણીમાં પ્રચાર માટે બિહાર આવી રહેલા આ યુવા ચેહરા પર સૌની નજર છે.
કોંગ્રેસના આ યુવા સ્ટાર પ્રચારકોને ટક્કર આપવા માટે આરજેડી સાથે તેજસ્વી યાદવ સામે હશે. કોંગ્રેસ પોતાના આ ત્રણ યુવા નવા નેતાઓને લઈને ઉત્સાહિત છે. કન્હૈયા કુમારના નામે ખાસ કરીને નજર એટલે ટકેલી છે, કેમ કે એવી ચર્ચા છે કે પાર્ટીમાં મજબૂતી લાવવા માટે બિહારમાં તેજસ્વી યાદવની સામે યુવા ચહેરાને મેદાનમાં ઉતારવાની નીતિથી કોંગ્રેસ કામ કરી રહી છે. તેથી કોંગ્રેસે એવા યુવાઓને સ્ટાર પ્રચારકમાં આ વખતે સામેલ કર્યા છે. બિહાર પેટા ચૂંટણીના પરિણામ સાબિત કરશે કે કન્હૈયા કુમાર કોંગ્રેસ માટે કેટલા કારગર છે.