અમદાવાદ,તા.૨૯
શહેરના પથ્થરકુવા પટવાશેરી ખાતે શાહનવાઝ શેખ (રાષ્ટ્રીય સચિવ લઘુમતી વિભાગ AICC) પૂર્વ મ્યુ.કાઉન્સીલર દ્વારા “દાવતે રોઝા ઇફતાર”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ “દાવતે રોઝા ઇફતાર” પ્રોગ્રામમાં ફક્ત બાળ રોઝદારોને ઇફતારી કરાવી નવો ચીલો ચાતરતા શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે, “મોટા લોકો તો રોઝા રાખે છે અને ઇફતારી પાર્ટીઓમાં પણ જાય છે પરંતુ નાના બાળકો જે ફક્ત ૮-૧૦ વર્ષની ઉમરના છે તેઓ પણ કાળઝાળ ગરમીમાં ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહી માસૂમિયત અને નિખાલસ મને અલ્લાહની ઇબાદત કરી રોઝો રાખતા હોય છે. તેમનો પણ મનોબળ મજબુત થાય એ હેતુથી પથ્થરકુવા, પટવાશેરી, ચુડીઓલ અને આસપાસના વિસ્તારના બાળકોના ઘરે ઇન્વીટેસન કાર્ડ આપીને જે બાળકો રોઝા રાખતા છે તેમને આ ઇફતારી પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા.”
આ “દાવતે રોઝા ઇફતાર” પાર્ટીમાં જે બાળકોએ રમઝાન મહિનાના પુરા રોઝા રાખ્યા છે તેમને સ્ટેજ પર બોલાવી ફૂલહાર કરવામાં આવ્યું હતું, જેમાં ૯ વર્ષની બાળકી હબીબીયા શેખ, ૧૦ વર્ષની બાળકી નોરીન શેખ, ૯ વર્ષની બાળકી રુબા બક્ષી, ૧૦ વર્ષનો એહમદ રઝા, ૧૧ વર્ષનો મો.અયાન શેખ અને કેટલાક નન્હે રોજેદારોનું ફૂલહાર કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં જે બાળકોએ રમઝાન માસનો પ્રથમ રોજો રાખ્યો હતો તેમને પણ સ્ટેજ પર બોલાવી ફૂલહાર કરવામાં આવ્યું હતું.
આ “દાવતે રોઝા ઇફતાર” પાર્ટીમાં નન્હે રોજેદારોના મનોરંજન થાય તે માટે મિકી માઉસનો કાર્ટુન અને ઇફતાર પછી નન્હે રોજેદારોમાં ગુબ્બારા વહેંચવામાં આવ્યા હતા. બધા બાળ રોઝદારો ખુશ થઇ ગયા હતા.