કોરોના થયો હોય અથવા તો એના દરદીના સંપર્કમાં રહ્યાં હોય એવાં બાળકોને થાય છે આ બીમારી : છ વર્ષનો અર્હમ શાહ એમાંથી સાજો થયો
કોરોનાનો કહેર ઓછો થયા બાદ એની સારવાર દરમ્યાન જે લોકોને વધુ માત્રામાં સ્ટેરૉઇડ્સ કે ઑક્સિજન આપવામાં આવ્યો હોય એવા દરદીઓને મ્યુકરમાઇકોસિસની બીમારી થાય છે એ તો હજી તાજું જ છે ત્યાં હવે બાળકોમાં કોરોના સંબંધી એક નવી બીમારી જોવા મળી રહી છે. એનું નામ છે MIS-C (મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રૉમ ઇન ચિલ્ડ્રન). સામાન્ય રીતે આ બીમારી બાળકોને થતી હોય છે, પણ કોરોનાને લીધે આ બીમારી થાય એ નવી વાત છે.
આ બીમારી એવાં બાળકોને થાય છે જેઓ કોરોના પૉઝિટિવ થયાં હોય અથવા તો કોરોનાના દરદીઓના સંપર્કમાં આવ્યાં હોય. આ બીમારી કોઈ પણ ઉંમરના બાળકને થઈ શકે છે. એ મોટા ભાગે ૩થી ૧૨ વર્ષનાં બાળકોમાં વધુ જોવા મળે છે. ક્યારેક આ બીમારી મોટા લોકોમાં પણ જોવા મળે છે. કોરોના થયાનાં ત્રણ અઠવાડિયાંથી ૩ મહિના સુધીમાં એ થઈ શકે છે. બોરીવલીમાં રહેતો છ વર્ષનો ગુજરાતી બાળક MIS-C બીમારીની ચપેટમાં આવી ગયો હતો જેની હૉસ્પિટલમાં યોગ્ય સારવાર કરતાં હવે તે સ્વસ્થ છે. ડૉક્ટરોનું કહેવું છે કે જો સમય પર એની સારવાર થઈ જાય તો દરદી સાજો થઈ જાય છે. MIS-C ચેપી નથી.
MIS-C બીમારીનો ભોગ બનેલા છ વર્ષના અર્હમ શાહના દાદા મનોજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતુ કે ‘આઠ મેએ અર્હમને તાવ આવ્યો હતો. ત્રણ દિવસ તાવ ૧૦૨ અને ૧૦૩ રહેતાં અમે પીડિયાટ્રિશ્યનને બતાવ્યું હતું. તેમણે ઍન્ટિ-બાયોટિક દવા આપી જે લીધા પછી પણ અર્હમનો તાવ ઊતરતો નહોતો. આથી અમે ફરી ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે તેને તેમની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી બ્લડ-ટેસ્ટ, કોરોના-ટેસ્ટ વગેરે મળીને વીસથી પણ વધુ ટેસ્ટ કરી હતી જેના રિપોર્ટ નૉર્મલ આવ્યા હતા. જોકે તાવ ઊતરતો નહોતો અને ડાયેરિયા થઈ ગયો હતો તેમ જ આંખો પણ લાલ થઈ ગઈ હતી એટલે ડૉક્ટરે કહ્યું કે તમે અર્હમને કોઈ મોટી હૉસ્પિટલમાં લઈ જાઓ. અર્હમની હાલત જોઈને પરિવારના સદસ્યો પણ ગભરાઈ ગયા હતા અને શું થયું હશે એની ચિંતા સૌને થતી હતી. ડૉક્ટરની સલાહ મુજબ અમે તરત જ કોકીલાબેન હૉસ્પિટલમાં અર્હમને લઈ ગયા હતા. અર્હમનાં લક્ષણો જોઈને ડૉક્ટરને તરત જ MIS-C બીમારીનો ખ્યાલ આવી ગયો હતો અને અર્હમને પીડિયાટ્રિશ્યન ઇમરજન્સીમાં લઈ ગયા હતા અને જરૂરી એવી બધી ટેસ્ટ કરીને આઠ દિવસ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો. જોકે ઍડ્મિટ કર્યાના ત્રણ દિવસની સારવાર દરમિયાન અર્હમને સારું થવા લાગ્યું હતું. ૧૯ મેએ અમે અર્હમને ઘરે લઈ આવ્યા હતા. એક મહિના સુધી દવાનો કોર્સ ચાલુ રહેશે. હાલમાં અર્હમ સ્વસ્થ છે, પરંતુ થોડી અશક્તિ આવી ગઈ છે. જો બાળકોમાં MIS-Cનાં લક્ષણો દેખાય તો મોડું કર્યા વિના તરત જ તેમને સારી હૉસ્પિટલમાં સારવાર આપો જેથી યોગ્ય સમયે ટ્રીટમેન્ટ થઈ જતાં બાળકને ઓછી તકલીફ સહેવી પડે.’
ડૉક્ટરનું શુ કહેવું?
પીડિયાટ્રિશ્યન ડૉક્ટર પંકજ પારેખે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘MIS-C (મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રૉમ ઇન ચિલ્ડ્રન) નામની બીમારી જેમને પહેલાં કોરોના થયો હોય કે પરિવારની કે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યાં હોય એવાં બાળકોને ત્રણ અઠવાડિયાથી ત્રણ મહિના સુધીમાં થઈ શકે છે. એમાં બાળકોને ત્રણ દિવસથી વધુ તાવ આવે કે વૉમિટિંગ, ડાયેરિયા કે પછી ત્વચા લાલ થવી જેવાં લક્ષણો દેખાય છે. આ બીમારીની મુખ્ય બે ટ્રીટમેન્ટ છે : આઇવીઆઇજી અને સ્ટેરૉઇડ્સ. આ બીમારીથી ગભરાવાની જરાય જરૂર નથી. મોટા ભાગે નેવું ટકા બાળકો સિમ્ટોમૅટિક ટ્રીટમેન્ટથી સારાં થઈ જાય છે. ક્યારેક પેશન્ટ સિરિયસ થઈ જાય તો તેને વેન્ટિલેટર પર મૂકવો પડે છે. જોકે આવું તો ભાગ્યે જ થાય છે. આ બીમારીમાં મૃત્યુના ચાન્સિસ નહીં બરાબર છે.’
લક્ષણો શું છે?
આંખો-જીભ લાલ થવી.
ત્રણ દિવસથી વધુ હાઈ ફીવર.
વૉમિટિંગ.
ત્વચા લાલ થઈ જવી.
હૃદયના ધબકારા વધી જવા.