ફ્લોરિડા,તા.૪
અમેરિકાના ફ્લોરિડાની એક ફ્રન્ટીયર ફ્લાઈટમાં ભારે હોબાળો મચ્યા બાદ એક મુસાફરને તેની સીટ પર ટેપ વડે બાંધી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અનેક ડ્રિન્ક્સ પીધા બાદ મુસાફર હોશ ગુમાવી બેઠો હતો અને ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ સાથે છેડછાડ અને મારપીટ કરવા લાગ્યો હતો. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેને સીટ પર ટેપથી બાંધી દેવામાં આવ્યો છે. ૨૨ વર્ષના મેક્સવેલ બેરીને ઘટના બાદ શનિવારે ફિલાડેલ્ફિયાથી મિયામી માટે ઉડાન દરમિયાન શારીરિક હિંસાના ૩ મામલામાં ધરપકડ કરી લેવામાં આવી છે.
ઓહાયો નિવાસી મેક્સવેલ જે પહેલાં ખુબ જ પીધેલી હાલતમાં હતો, તેણે વધારે દારૂની માગ કરી હતી. પોલીસે એક રિપોર્ટમાં કહ્યું છે કે તેણે એક એર હોસ્ટેસની પીઠને ટચ કરી, જેનો તેણે વિરોધ કર્યો હતો. પછી બેરીએ પોતાની શર્ટ પર દારૂ ઢોળી દીધો હતો અને તેને સાફ કરવા માટે બાથરૂમમાં જતો રહ્યો હતો. જ્યારે તે શર્ટ વગર બહાર આવ્યો તો ક્રૂ મેમ્બર્સે તેના લગેજમાંથી શર્ટ નીકાળવામાં તેની મદદ કરી હતી. પણ થોડા સમય બાદ બેરીએ બે એર હોસ્ટેસ સાથે છેડછાડ કરી હતી.
પોલીસે જણાવ્યું, એક પુરુષ ફ્લાઈટ એટેન્ડેન્ટના ચહેરા પર મુક્કો માર્યો. બેરીની પાછળ એક સીટ પર બેસેલા એલ્ફ્રેડો રિવેરાએ આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો. રિવેરાએ કહ્યું, તે હુમલાવર થઈ ગયો હતો અને તેને ફ્લાઈટ એટેન્ડેન્ટ પર હુમલો કરી દીધો હતો. રિવેરના રેકોર્ડ કરાયેલ વીડિયોમાં બેરીને ટેપથી બાંધતા જાેવા મળે છે. અને વિમાનમાંથી ઉતર્યા બાદ બેરી સામે ૩ આરોપ લગાવીને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
ફ્રન્ટિયર એરલાઈન્સે ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે, તપાસ પૂરી થવા સુધી તેમાં સામેલ ફ્લાઈટ એટેન્ડેન્ટ ઉડાન ભરી શકશે નહીં, એરલાઈને એક નિવેદનમાં કહ્યું કે, ૩૧ જુલાઈએ ફિલાડેલ્ફયાથી મિયામીની ઉડાન દરમિયાન એક યાત્રીએ ફ્લાઈટ એટેન્ડેન્ટ સાથે છેડછાડ અને અન્ય એક સાથે હિંસા કરી હતી. વિમાન ઉતર્યા બાદ યાત્રીને કાબૂમાં કરી લેવામાં આવ્યો હતો. પણ આ ઘટનામાં સામેલ ફ્લાઈટ એટેન્ડન્ટને તપાસ પૂરી થવા સુધી ઉડાન ભરી શકશે નહીં.