એક સમયે ઓક્સિજન લેવલ ૬૦ થઈ ગયુ હતું, પરંતુ વેન્ટિલેટર સપોર્ટ વિના જ રિકવર થયો ૩૫ વર્ષીય યુવાન
સુરત,તા.૨૯
કોરોના દરમિયાન જાે ફેફસામાં ઈન્ફેક્શન વધી જાય તો ડોક્ટરો માટે તેવા દર્દીનો જીવ બચાવવો પડકારજનક બની જાય છે. પરંતુ ઈર્શાદ શેખનો કેસ આમાં અપવાદ સાબિત થયો છે. ૩૫ વર્ષીય ઈર્શાદના ફેફસામાં ૧૦૦ ટકા ઈન્ફેક્શન થઈ ગયુ હતુ પરંતુ તેણે ૨૦ દિવસ હોસ્પિટલમાં રહીને કોરોનાને હરાવ્યો અને રિકવર થઈને પોતાના ઘરે પાછો ફર્યો છે.
ભરુચના રહેવાસી ઈર્શાદ શેખ તેલનો વ્યવસાય કરે છે. જ્યારે તે હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યો હતો ત્યારે તેણે પોતાની ૫૫ વર્ષીય માતા દિલશાદને ગુમાવી. તેના માતાનું પણ કોરોનાને કારણે અવસાન થયુ હતું. ઈર્શાદના કેસની વિગતવાર વાત કરીએ તો, ૩જી મેના રોજ જ્યારે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેણે ભરૂચની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર શરૂ કરી. તેના માતા રુકસાના અને પિતા ઈમ્તિયાઝ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા, પરંતુ તેના પિતા ઘરેલુ સારવારથી જ રિકવર થઈ ગયા હતા.
ઈર્શાદનો નાનો ભાઈ ઈશરાજ જણાવે છે કે, જ્યારે અમને ખબર પડી કે અમારા પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત છે તો અમે ગભરાઈ ગયા હતા. મારા ભાઈ અને માતાની સ્થિતિ ગંભીર હતી અને સારવાર દરમિયાન મારી માતાનું મૃત્યુ થયું. સુરતની લોખાત હોસ્પિટલના ડોક્ટર ભાવિક દેસાઈ જણાવે છે કે, ભરુચમાં તેની સ્થિતિમાં કોઈ સુધારો નહોતો થતો, માટે તેને અહીં શિફ્ટ કરવામાં આવ્યો. સીટી સ્કેન કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેની સ્થિતિ ઘણી ગંભીર છે. એક સમય એવો હતો કે ઈર્શાદનું ઓક્સિજન લેવલ ૬૦ થઈ ગયુ હતું, પરંતુ તેની સ્થિતિ સ્થિર હતી અને તેને વેન્ટિલેટર સપોર્ટની જરૂર નહોતી પડી. ડોક્ટર દેસાઈ જણાવે છે કે, અમે તેને દસ દિવસ સુધી બાઈલેવલ પોઝિટિવ એરવે પ્રેશર(બાઈપેપ) પર રાખ્યો હતો અને ત્યારપછી એક અઠવાડિયા સુધી સામાન્ય ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ફેફસા ૧૦૦ ટકા સંક્રમિત થયા હોય તેવા ઘણાં ઓછા દર્દીઓ આ પ્રકારે રિકવર થતા હોય છે. તેને પ્લાઝમા થેરાપી, રેમડેસિવિયર ઈન્જેક્શન, સ્ટેરોઈડ અને અન્ય સારવાર પણ આપવામાં આવી હતી.
પોતાના ભાઈની રિકવરી પર ઈશ્વરનો આભાર માનીને ઈશરાજ જણાવે છે કે, રિકવર થયા પછી પણ અમે તેની દેખરેખ રાખી રહ્યા છીએ, અને પ્રાર્થના કરી રહ્યા છે કે તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે.