કિંગ ખાનની “જવાન” સાત સપ્ટેમ્બરે આવી રહી છે અને “ધ નન” ૮મીએ રિલીઝ થવાની છે.
શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે લીડ રોલમાં દીપિકા પાદુકોણ છે. શાહરૂખનો મુકાબલો કરવા બોલિવૂડની કોઈ મોટી ફિલ્મ મેદાને નથી, પરંતુ હોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધ નન’ની સીક્વલે મોરચો માંડ્યો છે. શાહરૂખ ખાન માટે ૨૦૨૩નું વર્ષ ખૂબ સારુ રહ્યું છે. ‘પઠાણ’ ફિલ્મથી શાહરૂખે શાનદાર કમબેક કર્યું છે અને શાહરૂખની ફિલ્મો રિલીઝ પહેલા જ હિટ સાબિત થઈ રહી છે.
જવાન અને ડન્કીના નોન થીયેટ્રિકલ રાઈટ્સ રૂ.૪૮૦ કરોડમાં વેચાયા છે, જે શાહરૂખનો સ્ટારપાવર સાબિત કરે છે. શાહરૂખની જવાન અગાઉ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં તેને સાતમી સપ્ટેમ્બરે રિલીઝ કરવાનો ર્નિણય લેવાયો છે. જવાનના સીધા મુકાબલામાં હોલિવૂડની હોરર ફિલ્મ “ધ નન” આવી રહી છે. ૨૦૧૮ના વર્ષમાં ‘ધ નન’ બ્લોકબસ્ટર રહી હતી. હોરરની સાથે સસ્પેન્સ ધરાવતી ધ નનમાં જેમ સ્ટોરી આગળ વધતી જાય છે તેમ સસ્પેન્સ અને થ્રિલર ઉમેરાતા જાય છે. પહેલી ફિલ્મના એન્ડમાં જ સીક્વલ બનવાના સંકેત આપી દેવાયા હતા.
કિંગ ખાનની જવાન સાત સપ્ટેમ્બરે આવી રહી છે અને “ધ નન” ૮મીએ રિલીઝ થવાની છે. શાહરૂખની ફિલ્મને પહેલા દિવસે જબરજસ્ત રિસ્પોન્સ મળવાનું નક્કી છે. જાે કે, બીજા દિવસથી “ધ નન” મોટો પડકાર આપી શકે છે. “ધ નન”ને ભારતમાં મોટા પાયે રિલીઝ કરવા માટે ચાર ભાષાઓમાં રજૂ કરવામાં આવશે. સામાન્ય રીતે હિન્દી કે, સાઉથની ફિલ્મો અલગ-અલગ ભાષામાં પાન ઈન્ડિયા રિલીઝ થતી હોય છે, જ્યારે આ વખતે હોલિવૂડની ફિલ્મે પાન ઈન્ડિયા રિલીઝનો રસ્તો અપનાવ્યો છે.
શાહરૂખ અને દીપિકાની જાેડી પઠાણમાં હિટ રહી હતી. જવાનમાં પણ તેઓ સાથે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત નયનતારા અને વિજય સેતુપતિ પણ મહત્ત્વના રોલમાં છે. એક વર્ષમાં બીજી વખત બ્લોકબસ્ટર જાેડી આવી રહી છે. ૨૦૦ કરોડના બજેટમાં જવાન બની હોવાનું કહેવાય છે. જાે કે, જવાને રિલીઝ પહેલાં જ નોન થીયેટ્રિકલ રાઈટ્સમાંથી બજેટ કરતાં વધુ આવક મેળવી લીધી હોવાનું એનાલિસ્ટ માને છે.