અમદાવાદના વિવિધ વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયુ છે.
અમદાવાદ,
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી લોકોએ મન મુકીને મનાવી છે. દિવાળી પર્વ પર આ વર્ષે લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા પણ ફોડ્યા છે. લોકોએ મન મુકીને ફટાકડા ફોડવાનો આનંદ લીધો છે. જાે કે, લોકોની આ મજા બાદમાં સજા બની શકે છે. કારણ કે, અમદાવાદના વિવિધ વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયુ છે. સાથે જ અમદાવાદમાં આગની ઘટનાઓમાં પણ વધારો થયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે આગની ઘટનામાં વધારો થયો છે. ગત વર્ષે દિવાળી સમય દરમિયાન ૧૦૫ આસપાસ કોલ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે માત્ર દિવાળીના દિવસે જ ૧૦૦ કોલ નોંધાયા છે.
૧૦ નવેમ્બરથી ૧૩ નવેમ્બર સવારે ૬ સુધી કુલ ૨૧૪ જેટલા આગના કોલ નોંધાયા અને તેમાં પણ દિવાળીની રાત્રે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી ૮૮ જેટલા આગના બનાવો બન્યા. મોટાભાગની આગો ફટાકડાના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. જાે કે, સારી બાબત એ રહી કે, આગની ઘટનામાં મોટી કોઈ દુર્ઘટના કે, જાનહાની બની નથી. જેના કારણે લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો.
દિવાળી દરમિયાન ૧૩ નવેમ્બરે એક આગના કોલમાં ત્રણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. ૧૩ નવેમ્બરે સુરધારા સર્કલ પાસે આગનો બનાવ બન્યો. મેપલ ટ્રીના G બ્લોકમાં બીજા માળે મકાનમાં આગ લાગી હતી. મકાનમાં હોલમાં આગ લાગી હતી અને ત્રણેય રૂમ ફસાયા હતા. જેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જાેકે આ આગની ઘટનામાં ડોકટર દંપતી અને બાળકી ફસાયા હતા, જેમને બચાવી લેવાયા. ડો. અલ્પેશ રાજપૂત, પત્ની રીના રાજપૂત અને ૭ વર્ષીય બાળકી શિયાને ફાયર બ્રિગેડે બચાવી હતી.