તમે આ સ્ત્રીને અવાર નવાર લઇને ફરવા જાઓ છો જેથી તમારા ઉપર કેસ કરવો પડશે, તેમ કહીને દમ મારીને ડરાવ્યા હતા.
અમદાવાદ,
શહેરના મેઘાણીનગરમાં એક વૃદ્ધને રોકીને પોલીસ હોવાની ઓળખ આપીને 2 શખ્સોએ બાઇકની ચાવી કાઢી લીધા બાદ તમારી સામે કેસ કરવો પડશે કહીને નકલી પોલીસે ડરાવી ધમકાવીને રૂ. ૪૦ હજાર પડાવ્યા હતા.
વૃદ્ધ દ્વારા ફરિયાદ કરાતા મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા મનસુખભાઇ રામજીભાઇ મકવાણાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે થોડા દિવસ અગાઉ સાંજે વૃધ્ધ બાઇક લઇને તેમની સ્ત્રી મિત્રને મળવા માટે વિરાટનગર ગયા હતા અને રાતે ૮.૩૦ વાગે મેમ્કો ચાર રસ્તા ઉતારીને તેઓ મેમ્કો બ્રિજ પરથી પસાર થતા હતા. આ સમયે રામેશ્વર ચાર રસ્તા પાસે મોપેડ ઉપર આવેલા બે શખ્સોએ તેમને રોક્યા હતા અને પોલીસ હોવાની ઓળખ આપીને બાઇકની ચાવી કાઢી લીધી હતી. તમે આ સ્ત્રીને અવાર નવાર લઇને ફરવા જાઓ છો જેથી તમારા ઉપર કેસ કરવો પડશે, તેમ કહીને દમ મારીને ડરાવ્યા હતા.
બાદમાં આરોપીઓએ પોલીસ સ્ટેશન લઇ જવાનું કહીને કોઇક વ્યક્તિ સાથે ફોન કરતા હોવાનું નાટક કર્યુ હતું. ત્યારબાદ તમારે કેસ ના કરવો હોય તો રૂ. ૮૭ હજારની માંગણી કરી હતી આ સમયે વૃધ્ધે પોતાની પાસે પડેલા રૃપિયા પાંચ હજાર આપ્યા હતા બાદમાં આરોપીઓએ એટીએમમાંથી રૂ. ૨૦ હજાર કઢાવી લીધા અને ઓન લાઇન ૧૫,૦૦૦ મેળવીને આરોપીઓ નાસી ગયા હતા.