પ્રતિકાત્મક તશવીર
અમદાવાદ,
અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશનની ચોકીઓમાં માસ્કના દંડના નામે ચાલતી પોલમપોલથી લોકો હેરાન છે. પોલીસ ચોકીઓ પર ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓએ આપેલા માસ્કના દંડના દિવસના ટાર્ગેટ પુરા થયા બાદ માસ્ક વગર પકડાય તેવા લોકોને ચોકીની અંદર લઈ જાય છે. માસ્ક વગરના લોકોને દંડ ન કરવાની શરતે તેઓ પાસેથી રૂ. ૨૦૦, ૩૦૦, ૪૦૦, ૫૦૦ જે રકમ મળે તે લઈ માંડવાળી કરે છે. માસ્કના દંડની આ પોલમપોલમાં ખિસ્સા ભરવાની નીતિ ધરાવતા અમુક પોલીસ કર્મચારીઓ માસ્ક પહેર્યું હોય પણ ખસી ગયું હોય કે નાકથી નીચે ઉતરી ગયું હોય તેવા લોકોને વોર્નિંગ આપવાની જગ્યાએ ખિસ્સા ભરે છે. જેના કારણે સમગ્ર પોલીસ ખાતાની બદનામી થાય તે સ્વાભાવિક છે.
શહેરમાં ગેરકાયદે બાંધકામ તોડવા માટે વેજલપુર, સરખેજની હદમાં સમયસર પોલીસ બંદોબસ્ત મળી જાય પણ કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવા મામલે ઉલટી ગંગા વહે છે. કોટ વિસ્તારમાં પોલીસ પાસે કોર્પોરેશનના અધિકારીઓ ગેરકાયદે બાંધકામ હટાવવા બંદોબસ્ત માગે ત્યારે બિલ્ડરો એવો જાદુ કરે છે કે, પોલીસ બંદોબસ્ત સમયસર મળે જ નહીં. જેના પગલે ગેરકાયદે બાંધકામ અટકાવવાની જગ્યાએ બિલાડીની ટોપની માફક ફૂલી ફાલી રહ્યા છે. પોલીસ અધિકારીઓ પણ ગેરકાયદે બિલ્ડીંગો બનાવતા તત્ત્વો સાથે ઘરોબો ધરાવતા હોવાથી કાયદાના હાથ આ વિસ્તારમાં પાછા પડી રહ્યા છે.