નવી દિલ્હી,તા.૨૯
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બે દિવસ પહેલા ગુમ થયેલી પરિણીત મહિલા મામલે નવો ટિ્વસ્ટ સામે આવ્યો છે. આ મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે નેલ્લૂરમાં ફરતી જાેવા મળી હતી. ભારતીય નૌસેના અને તટરક્ષક બળે ગુમ મહિલા દરિયામાં ડુબવાની આશંકાને કારણે ૩૬ કલાક ઓપરેશન ચલાવ્યું હતું અને તેને શોધ કરવામાં તેના પતિએ લગભગ એક કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા હતા.
ગુમ મહિલાની શોધ માટે એક હેલિકોપ્ટર અને ૩ જહાજ લગાવ્યા હતા. ૨૩ વર્ષની પરિણીત મહિલા સાઇ પ્રિયા વિશાખાપટ્ટનમના આરકે બીચ પર પતિ શ્રીનિવાસ સાથે પોતાની મેરેજ એનિવર્સરી મનાવવા ગઇ હતી. આ દરમિયાન કપલે પહેલા સિંહાચલમ મંદિરમાં દર્શન કર્યા હતા અને પછી દરિયા કિનારે ગયા હતા. દરિયા કિનારે પોત-પોતાના મોબાઇલથી બન્નેએ ફોટો પાડ્યા હતા અને વીડિયો પણ બનાવ્યા હતા. આ દરમિયાન પતિને કોઇ કોલ આવ્યો હતો અને તે વાતમાં મશગુલ બની ગયો હતો. તેની પત્ની પોતાના મોબાઇલથી સેલ્ફી લઇ રહી હતી. આ પછી જ્યારે પતિની કોલ પર વાતચીત પુરી થઇ તો તેણે પત્નીને ઘણી શોધી હતી. જાેકે તે મળી આવી ન હતી. તેને ફોન પણ કર્યો હતો પણ કોઇ સફળતા મળી ન હતી.
આ પછી પરેશાન પતિએ પત્નીની શોધ માટે સ્થાનીય થ્રી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પતિએ પોતાના પરિવારજનો અને સાસરિયામાં પણ જાણ કરી હતી. પોલીસે આશંકા વ્યક્ત કરી કે મહિલા દરિયામાં તણાઇ ગઈ હશે. આ જાેતા પોલીસે ભારતીય નૌસેના અને તટરક્ષક બળની મદદ લીધી હતી. દરિયાની અંદર શોધ કરવા માટે માછીમારો અને તરવૈયાની મદદ લીધી હતી. મહિલાને શોધવા માટે નૌસેનાએ ૩ જહાજ અને એક હેલિકોપ્ટર લગાવ્યું હતું. જાેકે તે મળી આવી ન હતી.
આ કહાનીમાં અચાનક નવો મોડ આવ્યો હતો. પરિણીત મહિલાએ પોતાની માતાને ટેક્સ મેસેજ દ્વારા પોતાના સ્થળની જાણકારી આપી હતી અને જણાવ્યું કે તે પોતાના પ્રેમી રવિ સાથે નેલ્લૂર ભાગી ગઇ છે. સાથે પોતાના પરિવારને પોતાના પ્રેમી સામે કોઇ કાર્યવાહી ના કરવાની વિનંતી કરી હતી. અધિકારીઓના મતે સાઇ પ્રિયાને શોધવા અંદાજે લગભગ ૧ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કારણ કે ઓપરેશન બે દિવસથી વધારે સમયથી ચાલી રહ્યું હતું. વિશાખાપટ્ટનમની રહેવાસી પ્રિયાના લગ્ન ૨૦૨૦માં શ્રીકાકુલમના નિવાસી શ્રીનિવાસ સાથે થયા હતા. તે હાલ અભ્યાસ કરી રહી છે અને તેનો પતિ હૈદરાબાદની એક ફાર્મસી કંપનીમાં કર્મચારી છે.