Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

નોકરીની લાલચમાં યુવાને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું : ૯૮ હજાર ગુમાવ્યા

નોકરી ન મળતા નાણાં રિફંડ આપવાનું કહી ગઠીયાએ ફોર્મ ભરાવ્યું
અમદાવાદ,

ટેકનોલોજીના યુગમાં હવે સાયબર ક્રાઈમના ભોગ અનેક લોકો બની રહ્યાં છે. અમદાવાદમાં એક વ્યક્તિએ ઓનલાઇન વેબસાઈટ પર નોકરી શોધવા માટે એપ્લાય કર્યું હતું. નોકરી મેળવવા માટે રૂ. ૧.૪૬ લાખ તો ભર્યા જ હતા પણ નોકરી ન મળતા વેબસાઈટના નામે ગઠિયાએ ફોન કરી નાણાં રિફંડ કરવાનું કહી પ્રોસેસના નામે ૧૦ રૂ. ભરવાનું કહીને ૯૮ હજાર ખાતામાંથી ડેબિટ કરી લીધા હતાં આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગોતા વિસ્તારમાં રહેતા રીતેશભાઈ શ્રીમાળી એક કંપનીમાં સિક્યોરિટી એન્ડ લોસ પ્રિવેંશન વિભાગમાં નોકરી કરે છે. દોઢેક વર્ષ પહેલા તેઓએ SHINE.COM નામની વેબસાઈટ પર નોકરી મેળવવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં તેઓ નોકરી માટે સતત વેબસાઈટ તપાસતા અને કસ્ટમર કેરમાં ફોન કરી સંપર્ક સાધતા હતા. થોડા દિવસ પહેલા આ વેબસાઈટ કંપનીના નામે એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને જણાવ્યું કે, તમને નોકરી ન મળતા તમારું પેમેન્ટ રિફંડ કરાશે. જે પેમેન્ટ બે હપ્તામાં રિફંડ કરાશે. જેના માટે SHINE.SERVICE.INFO નામની વેબસાઈટ પર ફોર્મ ભરી ૧૦ રૂ. ઓનલાઈન ભરતા પેમેન્ટ રિફંડ મળી જશે તેવી વાત કરી હતી.
રીતેશભાઈએ આ રીતે વેબસાઈટ પર વિઝીટ કરી એક બાદ એક ફોર્મ અને વિગતો ભરી હતી. બાદમાં ૧૦ રુપિયા ભરવાનું ઓપ્શન આવ્યું અને તેમાંય ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી નાણાં ભરવાનું ઓપ્શન આવતા તેઓએ ૧૦રૂ. નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. જે ૧૦ રૂ. ભર્યા બાદ અચાનક ૯૮ હજાર કપાઈ જતા તેઓએ જે નમ્બરથી ફોન આવ્યો તે વ્યક્તિને ફોન કરતા ટેકનિકલ એરર આવી હોવાનું જણાવી પરત પૈસા મળી જશે તેવી વાત કરી હતી.

જે બાદ પૈસા જમા થવાના બદલે ડેબિટ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. બાદમાં ૨૪ કલાક સુધીના સમયમાં પૈસા પરત ન મળતા ફરી રીતેશભાઈએ ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. જેથી તેઓએ આ અંગે ફરિયાદ નોંધાવતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *