સોનાની ચેઇન નંગ-૧, વીંટી નંગ-૧ કિમ્મત.રૂ. ૧૦૯૫૦ તથા રોકડ રૂ. ૨૭૧૧૦ મળી કુલ રૂ. ૧,૩૬,૬૧૦ મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યા
ગાંધીનગર,
નાગાબાવાનું રૂપ ધારણ કરી લોકો સાથે છેતરપીંડી કરનાર બે ઇસમોને પીયજ રોડ ઉપરથી પકડી પાડી સોનાની ચેઇન નંગ-૧ તથા વીંટી નંગ-૧ કિ.રૂ. ૧૦૯૫૦ તથા રોકડ રૂ. ૨૭૧૧૦ મળી કુલ રૂ. ૧,૩૬,૬૧૦ મુજબનો મુદ્દામાલ કબ્જે કરી, વિશ્વાસધાત તથા છેતરપીડીના કુલ-૨ ગુન્હા ગાંધીનગર એલ.સી.બી ટીમએ શોધી કાઢ્યા હતા.
એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર એચ.પી ઝાલાની ટીમના PSI ડી.એસ. રાઓલની પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, “બે ઇસમો પીયજ રોડ ઉપર ચાલતા જાય છે જેઓ લોકોને વાતોમાં લઇ વિશ્વાસમાં લઇ નજર ચુકવી પૈસા તથા દાગીના કઢાવી લેવાની ટેવ વાળા છે. જેથી બાતમીવાળી જગ્યાએથી બે ઇસમો જેમાં (૧) સાહેબનાથ સમજુનાથ મદારી રહેવાસી- ગણેશપુરા, મદારીનગર, દહેગામ, જી.ગાંધીનગર (ર) દિપકનાથ નટવરનાથ મદારી રહેવાસી- મદારીવાસ, ભેરૂઉજીના મંદીરની બાજુમાં, ગણેશપુરા, દહેગામ જેમને પોલીસે પકડી પાડ્યા હતા.
આ છેતરપીંડી કરનાર અલગ અલગ વિસ્તારમાં નીકળે છે અને તેઓ પૈકી કોઇ એક જણ કપડા કાઢી નાંખી નાગા બાવાનુ રૂપ ધારણ કરી ગાડીમાં બેસે અને બીજા બાવાનું રૂપ ધારણ કરી ગાડી લઇ એકલ દોકલ જતા ઇસમને રોકીને તે વિસ્તારમાં આવતા આશ્રમના સરનામા બાબતે પુછપરછ કરી વાતોમાં લઇ વિશ્વાસમાં લઇ તેમની નજર ચુકવી તેમના પહેરેલ સૌના-ચાંદીના દાગીના તથા રોકડ કઢાવી લેતા હતા.