ત્રણ વ્યક્તિઓ પાસેથી રીક્ષા નંબર GJ-27-Y-8603માં નશાકારક કફસીરપની ૪૭૭ બોટલનો જથ્થો મળી આવ્યો
બાવળા,તા.૧૮
બાવળા શહેર અને તાલુકામાં યુવાનો નશા માટે નશાકારક કફસીરપનો ઉપયોગ કરી રહ્યા છે. કફસીરપની બોટલને ઠંડાપીણા અને સોડામાં મીક્સ કરીને યુવાનો નશાનાં રવાડે ચડયા છે. કફ સીરપની બોટલો ડોક્ટરની ચીઠ્ઠી વગર કોઈપણ વ્યકિત વેચી શકે નહીં. પરંતુ નશાની માંગ વધી ગઇ હોવાથી બે-ત્રણ ગણી કિમત લઇને મેડીકલ સ્ટોરમાં, પાર્લરમાં, ડોક્ટરો, દુકાનોમાં, છૂટક રીક્ષાઓમાં, વાહનોમાં મોટાપાયે કફ સીરપની બોટલોનું વેચાણ થઈ રહ્યું છે.
ધોળકા નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ વિભાગનાં માર્ગદર્શન હેઠળ બાવળા પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.સગર, હે.કોન્સ્ટેબલ હસમુખભાઇ, અશોકસિંહ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં ત્યારે હસમુખભાઇ અને પરેશભાઇને બાતમી મળી હતી કે રીક્ષા નંબર જીજે-૨૭-વાય-૮૬૦૩માં ત્રણ વ્યકિતઓ અમુક પ્રકારની નશાકારક સીરપની બોટલોનો જથ્થો સરખેજથી બગોદરા તરફ લઇ જનાર છે. જેથી બાવળા પોલીસ હાઈ-વે ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને બાતમી મુજબની રીક્ષા આવતાં પોલીસે રોડની સાઇડમાં ઉભી રખાવીને અંદર તપાસ કરતાં નશાકારક કફસીરપની ૪૭૭ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ૬૪,૩૯૫ રૂપીયાની ૪૭૭ કફસીરપની બોટલો, ૫,૫૦૦ રૂપીયાનાં ૨ મોબાઇલ, ૪૦ રૂપીયા રોકડા, ૫૦,૦૦૦ રૂપીયાની સી.એન.જી.રીક્ષા મળી કુલ ૧,૧૯,૯૩૫ રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને ૩ વ્યક્તિને ઝડપી લઈ જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા છે.
પકડાયેલ ડ્રાઇવર સમીરભાઇ મહેબુબભાઇ શેખ, (રહે, સરખેજ), અઝીમ ગુલામ મોહમ્મદ અલીનુરભાઇ મોમીન (રહે, સરખેજ,પોલીસ સ્ટેશનની સામે) અને મોઇન સફીઉલ્લા અતિઉલ્લા શેખ, (રહે, હાજી જમાલ નગર , મકરબા રોડ)ને પકડી લઈ જેલમાં ધકેલી કાર્યવાહી શરૂ કરી છે. બાવળા પોલીસે બાતમીનાં આધારે હાઇ-વે ઉપરથી બગોદરા તરફ જતી રીક્ષામાં બિન-અધિકૃત રીતે ચોરી છુપીથી નશાકારક કફસીરપની ૪૭૭ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી બાવળા પોલીસે ૬૪,૩૯૫ રૂપીયાની ૪૭૭ બોટલો કફસીરપની બોટલો, ૫,૫૦૦ રૂપીયાનાં ૨ મોબાઇલ, ૪૦ રૂપીયા રોકડા, ૫૦,૦૦૦ રૂપીયાની સી.એન.જી.રીક્ષા મળી કુલ ૧,૧૯,૯૩૫ રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને ૩ વ્યક્તિને ઝડપી લઈ જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.