તબીબોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની તનિષા ગાંધીને હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યુ છે.
નવસારી,તા.૨૬
હવે નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. નવસારીમાં ધોરણ ૧૨માં ભણતી ૧૭ વર્ષની વિદ્યાર્થીની ચાલુ શાળામાં હાર્ટએટેક આવ્યો હતો. વિદ્યાર્થીનીનું હૃદય અચાનક બંધ પડી ગયુ હતું. તેને સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટી હતી. ત્યારે આ ઘટનાથી સમગ્ર શાળામાં ગમગીનીનો માહોલ છવાયો છે.
બન્યું એમ હતું કે, નવસારીની જાણીતી એ.બી. સ્કૂલમાં આજે રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીની બેહોશ હાલતમાં મળી હતી. ધોરણ ૧૨માં ભણતી આશાસ્પદ વિદ્યાર્થીની તનીષા ગાંધીને અચાનક ખેંચ આવી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તનીષા ગાંધીને મૃત જાહેર કરી હતી. તબીબોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની તનિષા ગાંધીને હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યુ છે. શાળામાં રિસેસ દરમિયાન વિદ્યાર્થિની તનિષાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. માત્ર ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીનું હૃદય અચાનક બંધ પડી જતાં મોત થયુ હતું. વિદ્યાર્થિનીના મોત મામલે શાળાએ દિલસોજી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એ. બી. સ્કૂલની વિદ્યાર્થીની ઉપરાંત ધોરણ ૮માં ભણતા વિદ્યાર્થીને પણ ખેંચ આવવાની ઘટના બની હતી. ખેંચ આવેલા વિદ્યાર્થી સાજાે થઈ જતા રજા આપવામાં આવી હતી. પરંતુ તનિષા ગાંધી બચી ન શકી.