નવસારી,
વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અનેક લોકો મોતને વ્હાલું કરી લેતા હોય છે. આવા બનાવો અવારનવાર પોલીસ ચોપડે નોંધાતા રહે છે. હવે નવસારીમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ હૉસ્પિટલ ખાતે આધેડની સારવાર ચાલી રહી છે. આપઘાત કરતા પહેલા આધેડે એક વીડિયો મારફતે પોતાની વેદના વ્યક્ત કરી હતી. વ્યાજખોરોએ આધેડ તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એવો વીડિયો વાયરલ થયો છે. પોલીસે આ મામલે વ્યાજખોરો સામે કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે બાંધકામનું કામ કરતા વિજલપોરના આધેડે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વ્યાજખોરો અવારનવાર ધમકી આપતા હોવાથી આધેડે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા પહેલા આધેડે એક વીડિયો મારફતે પોતાની વેદન વ્યક્ત કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ મામલે વિજલપોર પોલીસે આધેડના પરિવારોના નિવેદન નોંધ્યા હતા. જે બાદમાં પોલીસે ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી છે. વ્યાજખોરો આપઘાતનો પ્રયાસ કરનાર આધેડ પાસે કુલ ૨૫ લાખ રૂપિયાની માંગણી કરતા હતા. જેમાંથી દીપક શર્મા નામના વ્યાજખોરે ૨૦ લાખ રૂપિયા અને ગીરીરાજ શર્મા ઉર્ફે દાઢીએ ૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ઉપરાંત કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશ શર્મા અને તેના પરિવારને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે ગીરીરાજ ઉર્ફે દાઢી શર્મા, દીપક શર્મા અને હરિઓમ શર્મા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.