સેબીના નિયમોનો ભંગ કરી સરકારને આર્થિક નુકશાન કરતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યોં
અમદાવાદ,
નવરંગપુરામાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર મોબાઈલ પર ડબ્બા ટ્રેડીંગનો સટ્ટો રમાડતા શખ્સની નવરંગપુરા પોલીસે અટક કરી છે. પોલીસે તેનો મોબાઈલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. નવરંગપુરા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે હીરાપન્ના કોમ્પ્લેક્સમાં એક શખ્સ મોબાઈલમાં શેરબજારનો ડબ્બા ટ્રેડીંગનો સટ્ટો રમાડે છે. જેને આધારે પોલીસે અહીં તપાસ કરતા પાર્કિંગમાં એક શખ્સ મોબાઈલ સાથે નજરે ચડયો હતો. પુછપરછમાં તેણે તેનું નામ સંકેત પ્રવિણચંદ્ર શાહ(૩૪) તથા તે શિવાલય એપાર્ટમેન્ટ ઘાટલોડીયામાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના મોબાઈલની તપાસ કરતા શેરબજારના બેંન્ક નીફ્ટીના શેર ઉપર તથા અન્ય કંપનીના શેરો પર ડબ્બા ટ્રેડીંગનો સટ્ટો રમતો હોવાનું જણાયું હતું. પુછપરછમાં તેણે મોબાઈલ ફોનમાં એમ.વી.એમ ફોલ્ડરમાં શેરોન લાઈવ સ્કિયુરિટીની અંદર શેર સટ્ટો રમતો હોવાનું તથા આ સોફ્ટવેર કાયદેસર નથી કે તેનું કોઈ લાયસન્સ ન હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતુ. આમ સરકારના ટેક્સના નાણાં ભરવા ન પડે તે માટે કોમોડીટી એક્સચેન્જ અને સ્ટોક એક્સચેન્જ મારફતે સરકાર દ્વારા આપવામાં આવતા કોઈપણ લાયસન્સ વગર સરકારને આર્થિક નુકશાન કરી ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગનો સટ્ટો રમાડતો હોવાનું બહાર આવતા નવરંગપુરા પોલીસે તેની અટક કરીને મોબાઈલ કબજે કર્યો છે.
(જી.એન.એસ.)