સાજીદ સૈયદ, નર્મદા
ટ્રેક્ટર, દવા, બિયારણ એટલું મોંઘુ થઈ ગયું છે કે, કેટલાક ખેડૂતો દેવું કરીને બેઠા છે અને પાક સારો નહીં થાય તો એ લોકો આપઘાત કરે તેવી શક્યતાઓ નકારી ન શકાય
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર છેલ્લા બે ત્રણ દિવસથી ઘણા બધા ખેડૂતો મોટી સંખ્યામાં લાઈનોમાં ઊભા રહે છે જેઓ સવારના 6:00 વાગ્યાના ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઊભા રહે છે તેમ છતાં પણ તેમને ખાતર નથી મળતું. ખેડૂતોની રજૂઆતો સાંભળી નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી (AAP)ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ટીમ સાથે સ્થળ પર મુલાકાત કરી તો ઘણા ખેડૂતો લાઈનોમાં ઊભા હતા તેમ છતાં ખેડૂતોને ખાતર આપવામાં ન આવ્યું. ફક્ત 400 બેગ ખાતર સ્ટોકમાં હતું અને દરેક ખેડૂતને ચાર બેગ ખાતર આપતા હતા. છેલ્લા 20/25 દિવસથી વરસાદ ન હોવા છતાં પણ ખાતરના ડેપોમાં જો આવા સમયે ખાતર ઉપલબ્ધ ન હોય અને ખેડૂતોને જે સમયે ખેતરમાં ખાતર અને દવા છંટકાવ કામ ચાલતું હોય તેવા સમયે છેલ્લા બે ત્રણ દિવસથી ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા છતાં જો ખાતર ન મળતું હોય એ ખૂબ જ દુઃખદ ઘટના છે.
સરકાર ખેડૂતોને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાની મોટી વાતો કરી રહી છે મોટા મોટા બેનરો મારે છે અને કાર્યક્રમો કરે છે પણ જ્યારે ખેડૂતોને ખાતરની જરૂર હોય છે ત્યારે આ બધા પ્રજાના પ્રતિનિધિઓ ક્યાં ખોવાઈ જાય છે..? જ્યારે વોટ માગવાનો સમય આવે ત્યારે ગામે ગામ અને ઘરે ઘરે જશે અને આજે ખેડૂતોને તેમની જરૂર છે તો તેમના પડખે ઉભા રહેવા માટે એક પણ નેતા હાજર નથી. આ પ્રશ્ન ફક્ત એક દિવસનો નથી વર્ષોથી આવી જ સમસ્યા છે. સરકાર કહી રહી છે અમે ખેડૂતોને સમૃદ્ધ અને આત્મ નિર્ભર બનાવીશું તો શું ખરેખર લાગે છે કે, ખેડૂતો આત્મ નિર્ભર બનશે..? આજે ટ્રેક્ટર, દવા, બિયારણ એટલું મોંઘુ થઈ ગયું છે કે, આજે કેટલાય ખેડૂતો માથે દેવું કરીને બેઠા છે અને પાક સારો નહીં થાય તો એ લોકો આપઘાત કરે તો જવાબદાર કોણ..? એવા સવાલો ઉઠ્યા છે માટે આ મુંગી બેરી અને ડબલ એન્જિન વાળી સરકાર ન તો ખેડૂતોનું દેવું માફ કરી રહી છે કે ન ખેડૂતોને ટાઈમસર ખાતર આપી રહી છે. તો ક્યાંથી બનશે મારો ખેડૂતભાઈ આત્મ નિર્ભર તેમ આપ પ્રમુખ નિરંજન વસાવાએ આક્રોશ સાથે જણાવ્યું હતું.