નવી દિલ્હી પહોંચેલા મુસાફરોનું કહેવું છે કે, આ ફ્લાઈટમાં શરૂઆતથી જ સમસ્યાઓ હતી.
નવી દિલ્હી,તા.૦૪
નવી દિલ્હી ખાતે દુબઈથી આવી રહેલું એક પ્લેન કોઈપણ મુસાફરોના સામાન વગર ટેકઓફ થયું હતું. આ અંગે મુસાફરોએ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ X પર એર ઈન્ડિયાની ટીકા કરી છે. એર ઈન્ડિયાએ આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો છે અને મુસાફરોના સામાન સંબંધિત સંપૂર્ણ માહિતી માંગી છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 916એ ૩૦ ઓક્ટોબરની રાત્રે લગભગ ૪૦૦ મુસાફરો સાથે દુબઈથી ઉડાન ભરી હતી. નવી દિલ્હી પહોંચેલા મુસાફરોનું કહેવું છે કે, આ ફ્લાઈટમાં શરૂઆતથી જ સમસ્યાઓ હતી. પહેલા તેઓને દુબઈ એરપોર્ટ પર ત્રણ કલાક રાહ જાેવી પડી અને બાદમાં જ્યારે પ્લેન નવી દિલ્હીમાં ઉતર્યું ત્યારે તેઓએ બે કલાક રાહ જાેવી પડી હતી.
આરોપ છે કે, દુબઈ એરપોર્ટ પર પ્લેનમાં ચઢ્યા પછી મોડું થવા લાગ્યું હતું. ત્યારપછી ઘણા લોકોએ ક્રૂ મેમ્બર્સને પ્લેનમાંથી બહાર નીકળવા દેવાની વિનંતી કરી પરંતુ દર વખતે તેઓએ ૧૫ મિનિટમાં પરિસ્થિતિ ઉકેલાઈ જશે તેમ કહીને મુસાફરોને રોક્યા હતા. આ દરમિયાન નાના બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. બીજી તરફ, જ્યારે મુસાફરો નવી દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે, તેમનો સામાન દુબઈમાં જ રહી ગયો છે.