૬ વર્ષની બાળકીને હોમવર્ક ન કરવા બદલ પાઠ ભણાવવા હાથ પગ બાંધીને ધાબે ધોમધખતા તાપમાં છોડી દીધી.
કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને હાલ સોશિયલ મીડિયા પર તે વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
નવીદિલ્હી,તા.૦૯
દિલ્હીમાં માત્ર ૬ વર્ષની માસૂમ બાળકીને માતા પિતાએ એવી સજા આપી કે વીડિયો જાેઈને તમે હચમચી જશો. બાળકીનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે હોમવર્ક કર્યું નહીં. આથી ગુસ્સે ભરાયેલા માતા પિતાએ બાળકીને આ સજા આપી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી અને બાળકી પર આવી ક્રૂરતા આચરનાર નિષ્ઠુર માતા પિતાનો સંપર્ક કર્યો અને કાર્યવાહી હાથ ધરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
૬ વર્ષની ઉંમરના બાળક પાસેથી તમે કેટલી અપેક્ષા રાખશો? અપેક્ષાઓનું સ્તર જ્યારે અત્યંત વધી જાય અને તમામ હદો પાર કરી નાખે તો માતા પિતા પછી બાળક પાસેથી ધાર્યુ કામ કરાવવા અને પાઠ ભણાવવાના નામે ગમે તે હદે જાય છે. આવું જ કઈક આ કેસમાં જાેવા મળ્યુ છે. જેમાં બાળકીનો વાંક માત્ર એટલો કે તેણે હોમવર્ક કર્યું નહીં અને પેરેન્ટ્સ ગુસ્સે ભરાયા. ૬ વર્ષની બાળકીને હોમવર્ક ન કરવા બદલ પાઠ ભણાવવા હાથ પગ બાંધીને ધાબે ધોમધખતા તાપમાં છોડી દીધી. વીડિયોમાં સ્પષ્ટપણે જાેવા મળી રહ્યું છે કે બાળકી બીચારી તાપથી બચવા માટે આમ તેમ ઉપર નીચે થઈ રહી છે. રડે છે કકળે છે પરંતુ કોઈને તેની દયા આવતી નથી. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને હાલ સોશિયલ મીડિયા પર તે વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેણે વીડિયો જાેયો તેનું લોહી કકળી ગયું. વાત પોલીસ સુધી પણ પહોંચી ગઈ.
મળતી માહિતી મુજબ આ વીડિયો 2જી જૂનનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બાળકીના માતા પિતા સાથે વાત કરી. પોલીસનું કહેવું છે કે બાળકીની માતાએ જણાવ્યું કે તેણે હોમવર્ક કર્યું ન હતું. આથી સજા આપવા માટે થોડીવાર ધાબે છોડી દેવાઈ હતી. ૪૦ ડિગ્રી તાપમાનમાં બાળકીને ધાબે છોડી દેવાના મામલાને દિલ્હી મહિલા આયોગે પણ ગંભીરતાથી લીધો છે. પોલીસને FIR દાખલ કરવા જણાવ્યું. પોલીસના જણાવ્યાં મુજબ બાળકી એકદમ સ્વસ્થ છે. આ મામલે દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બાળકીના સમગ્ર પરિવારની અટકાયત કરાઈ છે. આ વીડિયો પહેલા કરાવલ નગરનો હોવાનું કહેવાયું હતું પરંતુ બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તારનો છે.