Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

દાદરા નગર હવેલી : “Our Lady Of Help” ઈંગ્લીશ સ્કૂલના હવસખોરો મેનેજર અને શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી સેલવાસ ખાતે આવેલી એક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના મેનેજર અને શિક્ષકે દુષ્કર્મ આચરી વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. જે મામલો પોલીસ સમક્ષ આવતા પોલીસે તાત્કાલિક બને હવસખોરોની ધરપકડ કરી 3 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

મળતી વિગતો મુજબ સગીરાના પરિવારના સભ્યોએ મુંબઈની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ મુંબઈના પોલીસ મથકે શાળાના મેનેજર અને શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થિનીની ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સેલવાસ પોલીસ મથકે રીફર થતા સેલવાસ પોલીસે તાત્કાલિક શાળાના મેનેજર અને શિક્ષકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં આવેલી (Our Lady of Help) અવર લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિની ઉપર શાળાના મેનેજર 57 વર્ષીય માઇકલ નુન્સ (Michael Claudio Nunes) અને 23 વર્ષીય શિક્ષક લેસ્ટર જોકવીન ડિકોસ્ટા (Lester Joaquin D’costa) વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મ આચરી વિદ્યાર્થિનીને તેના પરિવારમાં કોઈને પણ ઘટનાની જાણ ન કરવા ધમકાવવામાં આવી હતી. ગભરાયેલી વિદ્યાર્થીનીએ પરિવારના સભ્યોને જાણ કરી ન હતી. વિદ્યાર્થીનીએ પરિવારની બદનામીના ડરે તેમજ શાળાના મેનેજર અને શિક્ષકે આપેલી ધમકીના પ્રભાવમાં આવી જઈ પરિવારને ઘટનાની જાણ કરી ન હતી. જે દરમિયાન વિદ્યાર્થિનીની તબિયત લથડતા નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે સુરત અને ત્યાંથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારના સભ્યોએ સગીરાને ફોસલાવી પૂછતાં સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના આધારે સગીરાના પરિવારના સભ્યોએ સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર સેલવાસની ખાનગી શાળાના મેનેજર અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુંબઈથી સેલવાસ પોલીસ મથકે ફરિયાદ રીફર થયા બાદ સેલવાસ પોલીસે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શાળાના મેનેજર અને શિક્ષકની ધરપકડ કરી હતી. તેમજ શાળાના મેનેજર અને શિક્ષકના શાળાના કોમ્પ્યુટર અને લેપટોપ મોબાઈલમાંથી કેટલાક અશ્લીલ વિડીયો પણ મળ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે રિમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *