નવસારી (યુસુફ એ શેખ)
વનસ્પતિ સૃષ્ટિમાં તાડ એક અનેરૂ વૃક્ષ છે. ગુજરાતના પર્વતિય વિસ્તારોમાં તાડની ખેતી કરવામાં આવે છે. તાડનાં વૃક્ષમાંથી નીરો તથા ફળ-ગલેલી (તાડફળ)નું ઉત્પાદન મળે છે. આ વૃક્ષની ખાસિયત એ છે કે તેમાંથી જે પ્રવાહી(નીરો) મળે છે તે શિયાળામાં મળે છે જ્યારે એનુ ફળ ગરમીની ઋતુમાં ખાસ કરીને માર્ચથી મે માસ દરમિયાન મળે છે.
હાલમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીથી રાહત આપતી અને પોષકતત્વોથી ભરપુર ગલેલીનું ઠેર ઠેર વેચાણ થઇ રહ્યુ છે. તાડ ઉપર કાળાશ પડતા રંગના નારિયેળ જેવા કઠણ ફળમાંથી ત્રણથી ચાર ગલેલી નિકળે છે, ગલેલી ઉપરના હલ્કા બદામી રંગના પડને છોલીને તેમાંથી નિકળતા પાંણી જેવા રંગની ગલેલી મીઠાસ ધરાવતુ સ્વાદિષ્ટ ફળ છે. ગલેલીમાં વિટામીન એ તથા સી ભરપુર માત્રામાં મળે છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી. કે ટીંબડીયા આ વૃક્ષની ખાસિયતો વર્ણવતા જણાવે છે કે તાડના વૃક્ષ સો વર્ષથી અધિકનું આયુષ્ય ધરાવે છે. સામાન્ય રીતે તેની ઉચાઇ સરેરાસ ૩૦ મીટર જેટલી હોય છે. તેનાં ફળનો ઘેરાવ ૪થી ૭ ઇંચ જેટલો હોય છે. તેની ઉપર કાળા રંગનું પડ હોય છે તેને કાપીને તેમાંથી ત્રણથી ચાર જેલી યુક્ત (ગલેલી) બીજ નિકળે છે. આ જેલીવાળો ભાગ આછા બદામી રંગના પડથી ઢંકાયેલો હોય છે.
તાડના વૃક્ષમાંથી બે મહત્વના ઉત્પાદનો નીરો તથા ગલેલી(તાડફળ) મળે છે જે ખેડૂતોને સારી એવી આવક રળી આપે છે. નીરો વૃક્ષના ફુલની દાંડીમાંથી એક દિવસમાં ૪થી૫ લિટર જેટલા નીરો મળે છે. સિઝનમાં ૨૦૦ મિ.લી. નીરોનો ભાવ ૫ રૂપિયા જેટલો મળે છે જ્યારે ૬ નંગ ગલેલી રૂ.૫૦માં વેચાય છે. તાડનાં વૃક્ષના વિવધ ભાગોનો આયુર્વેદિક દવાઓ તરીકે વિશેષ ઉપયોગ થાય છે. તાડના મૂળમાંથી શ્વાસને લગતી બીમારી મટાડવાની દવા બનાવાય છે. તે કૃમિનાશક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તાડના ફુલની દાંડીમાંથી નિકળતો રસ નીરો એ સત્વ ટોનિકની ગરજ સારે છે. તે રેચક, ઉતેજક, કફનાશક તથા મુત્રવર્ધક હોવાથી પેટ તથા મળ-મુત્રની બીમારીઓ દૂર કરે છે. તાડની ગલેલીમાં વિટામીન એ તથા સી ભરપુર માત્રામાં મળી આવે છે તે એસીડીટી દૂર કરે છે. લીવર તથા કમરના દુઃખાવા કે તકલીફો દૂર કરવામાં ઉપયોગી છે. એક તાડનું વૃક્ષ સિઝનમાં ૬૦૦થી ૨૦૦૦ જેટલા ફળ આપે છે. જ્યારે એક વૃક્ષ દિવસ દરમિયાન ૪થી ૫ લિટર નીરો આપે છે. એક અંદાજ મુજબ કાંઇ પણ જાતના ખર્ચ વગર એક તાડનું વૃક્ષ વર્ષમાં સરેરાશ રૂ. ૧૦,૦૦૦ જેટલી આવક રળી આપે છે.