અમદાવાદ,તા.૩
શહેરના પટવાશેરી ખાતે ડ્રગ્સ વિરોધી સત્યાગ્રહ મુહિમ હેઠળ જમાલપુરના પૂર્વ કાઉન્સિલર અને લઘુમતી વિભાગના રાષ્ટ્રીય સચિવ શાહનવાઝ શેખની આગેવાનીમાં “NO DRUGS” અવેરનેસ માટે પટવાશેરી વિસ્તારમાં પથ્થરકુવા પેટ્રોલપંપથી પીલી હવેલી, ચૂડીઓળ, ત્રણ દરવાજા, પટવાશેરી, મચ્છી બઝારથી અલીફની મસ્જીદ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહોલ્લાના રહીશો તથા આગેવાનો જોડાયા હતા.
પટવાશેરીમાં આ પદ યાત્રા કાઢવામાં આવી જેનો મુખ્ય સંદેશ જાહેર જનતામાં MD DRUGS, કોરેક્સ સીરપ, પેટ્રોલના ડૂચા , સોલ્યુશનની TUBE જેવા નશીલા પદાર્થોનું વેચાણ તથા સેવન સ્વાસ્થ્ય માટે તેમજ પરિવાર માટે ઘાતકી છે. આ નશાનું દુષણ સમાજ માટે કલંક સમાન છે. આ પદયાત્રામાં શાહનવાઝ શેખ સાથે લઘુમતી સમાજના આગેવાનો, તેમજ યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ (NSUI)ના કાર્યકરો તથા સ્થાનિક આગેવાનો જોડાયા હતા. આ પદ યાત્રાનું મુખ્ય ઉદ્દેશ MD DRUG સમાજ માટે કેટલો ઘાતકી છે તેવો સંદેશો આપવાનું હતું.
આ સિવાય અમદાવાદ શહેર તેમજ ગુજરાત પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં આ મુહિમ ભવિષ્યમાં ચલાવવામાં આવશે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારમાં ગુજરાત પ્રદેશના દરેકે દરેક જિલ્લાના નશામાં સંકળાયેલા યુવાનો તેમજ નગરજનો માટે રિહેબ સેન્ટરની માગણી કરવામાં આવશે.
ડ્રગ્સના વધતા દુષણને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે કોંગ્રેસ તથા NSUIના કાર્યકરો દ્વારા ડ્રગ્સ વિરોધી પદયાત્રા યોજવામાં આવી રહી છે.