જે ડુંગળી ૩૦-૪૦ રૂપિયા કિલો મળી રહી હતી તે હાલ ૬૦-૮૦ રૂપિયા કિલો મળી રહી છે
અમદાવાદ,તા.૨૮
અમદાવાદ શહેરમાં હવે ડુંગળીના ભાવ સામાન્ય વર્ગને રડાવે તે સ્થિતિએ પહોંચી ગયા છે. હાલ પાછલા ૧૦ દિવસની જ સરખામણી કરીએ તો ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થઇ ગયો છે. ૧૦ દિવસ પહેલા જે ડુંગળી ૩૦-૪૦ રૂપિયા કિલો મળી રહી હતી તે હાલ ૬૦-૮૦ રૂપિયા કિલો મળી રહી છે.
અમદાવાદ APMCની જ વાત કરીએ તો ડુંગળીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. જેના કારણે ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. ૧૦ દિવસ પહેલા ડુંગળીનો ભાવ ૧૫૦૦-૨૨૦૦ રૂપિયા પ્રતિ કવીન્ટલ હતો. જયારે હાલ ડુંગળીનો ભાવ ૫૫૦૦-૬૮૦૦ રૂપિયા ચાલી રહ્યો છે. આમ માત્ર APMCના ભાવમાં ૧૦૦ ટકાથી વધારાનો વધારો જાેવા મળી રહ્યો છે. ચોમાસાની સીઝનમાં પાછલા મહિનાઓમાં સરેરાશ વરસાદ કરતા ઓછો વરસાદ પડતા ડુંગળીના પાક ઉપર વિપરીત અસર થઇ છે. ડુંગળીનો પાક બગડતા આવક ઓછી પ્રાપ્ત થઇ છે. બીજી તરફ ડુંગળીની જરૂરિયાત મોટાભાગના દરેક રસોડામાં હોવાથી તેની માંગ યથાવાત છે જેના કારણે ભાવમાં વધારો થયો છે. મોટાભાગે ગુજરાતમાં મહારાષ્ટ્રથી ડુંગળીની આવક થાય છે પરંતુ મહારાષ્ટ્રમાં પણ ડુંગળીનો પાક બગડી જતા ત્યાંથી પણ આવક ઓછી પ્રાપ્ત થઇ રહી છે.
રાજ્યમાં જૂન અને જુલાઈ મહિનામાં ખુબ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. બીજી તરફ માર્કેટમાં ડુંગળીની સામાન્ય માંગ યથાવત રહેતા ડુંગળીની માંગ અને પુરવઠા વચ્ચે અછત સર્જાઈ છે. ડુંગળીની આવક ઘટવાને કારણે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
સામાન્ય રીતે ગુજરાતમાં ડુંગળી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી પહોંચે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, જામ જાેધપુર, ધોરાજીથી આવતી ડુંગળીના પાકને નુકશાન થતા આવકમાં ઘટાડો થયો છે. પરિણામે હાલ રસોડા સુધી જે ડુંગળી પહોંચી રહી છે તે મહારાષ્ટ્રના સાકરી, ધુલીયા, પિમ્પલનેર, નાસિક અને પુનાથી ડુંગળીની આવક આવી રહી છે. આ સિવાય મધ્યપ્રદેશથી પણ ડુંગળી આવી રહી છે. પરિણામે ટ્રાન્સપોર્ટ અને અન્ય ખર્ચ વધતા તેની સીધી ડુંગળીના ભાવ પર અસર પડી છે.
પહેલા ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા. ટામેટા એટલા મોંઘા થઈ ગયા હતા કે, અનેક લોકોની થાળીમાંથી ગાયબ થઈ ગયા હતા. મોંઘા ટામેટા લેવાનું લોકો ટાળી રહ્યાં હતા. હવે ડુંગળી મોંઘી થઈ રહી છે. એટલે કે, ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ મુશ્કેલ બની રહ્યું છે. ખાદ્ય પદાર્થમાં ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડતી હોય છે. એટલે જરૂરી વસ્તુના ભાવ વધવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.