લોકો ડોલ અને ડબ્બા લઈને માછલી લૂંટવા આવ્યા
(અબરાર એહમદ અલવી)
બિહાર,તા.૨૮
બિહારના ગયા જિલ્લામાં માછલીઓ ભરેલી એક ટ્રક રસ્તા પર બેકાબૂ થતા ટ્રકમાંથી માછલીઓ પડી હતી. જેને લૂંટવા માટે લોકોએ પડાપડી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તમે દુનિયામાં ઘણી ચમત્કારિક ઘટનાઓ વિશે સાંભળ્યું જ હશે. રસ્તા પર માછલીઓનો વરસાદ શરૂ થયો તે સાંભળવું કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. આ ઘટના બિહારથી સામે આવી છે. જો કે, તે કોઈ ચમત્કાર નથી. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ડોલ અને ડબ્બા લઈને માછલી લૂંટવા આવ્યા છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે રસ્તા પર માછલીઓનો વરસાદ થયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક ડોલમાં, કેટલાક બોરીમાં અને કેટલાક બોક્સમાં વેરવિખેર માછલીઓ ભરી રહ્યા છે. કોઈ વ્યક્તિ તેના હેલ્મેટમાં માછલી ભરતો જોવા મળે છે.
આ વીડિયો બિહારના ગયા જિલ્લાના અમાસ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જાણવામાં આવી રહ્યું છે કે શનિવારે માછલીઓથી ભરેલી એક ટ્રક અહીંથી પસાર થઈ રહી હતી, જે બેકાબૂ થઈ ગઈ હતી. જેના કારણે ટ્રકના પાછળના ભાગમાં રાખેલી માછલીઓ એટલી મોટી સંખ્યામાં નીચે પડવા લાગી કે જાણે માછલીઓનો વરસાદ પડી રહ્યો હોય. લોકો રસ્તા પર માછલીઓ જોતા જ લૂંટવા લાગ્યાં હતા. માછલી જોઈને લોકોને લોટરી લાગી ગઈ હોય તેવા દ્રષ્યો જોવા મળ્યાં હતા. તમે વીડિયોમાં જોઈ શકો છો કે જેને જે મળ્યું તે એ જ વાસણ લઈને આવ્યો અને રસ્તા પર પડેલી માછલીને તેમાં ભરવા લાગ્યો. કેટલાક ડોલમાં માછલી ભરતા જોવા મળ્યા તો કેટલાક બોરીમાં માછલી ભરતા જોવા મળ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે એક વ્યક્તિએ પોતાનું હેલ્મેટ ઉતાર્યું અને તેમાં માછલીઓ ભરવા લાગી ગયો.