આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
ઉત્તરપ્રદેશ,તા.૧૦
આપણે અક્સર જોયું છે કે, VIP લોકોની સુરક્ષા માટે z+ સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પણ શું તમે ક્યારેક વિચાર્યું છે કે, ટામેટા જેવી શાકભાજીને પણ z+ સિક્યોરિટી મળશે ? શાકભાજી વિક્રેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના ઉત્તરપ્રદેશના વારાણસીની છે. જ્યા ગ્રાહકોને પણ ટામેટાથી દૂર રાખવા માટે બાઉન્સર ગોઠવવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં ૧૩૦થી ૧૪૦ રુપિયા કિલો ટામેટાનો ભાવ થયો છે. જેના કારણે ઘણી જગ્યાએ ટામેટાની ચોરી શરુ થઈ છે. કર્ણાટકમાં એક ખેતરમાં કથિત રીતે ત્રણ લાખ રુપિયાના ટામેટાની ચોરી થઈ હતી. ટામેટાની લગભગ ૯૦ પેટી ચોરાઈ ગઈ. ભારતભરમાં મેકડોનલ્ડ્સના સ્ટોરો પરથી ટામેટાને મેનૂમાંથી હટાવી દેવામાં આવ્યા. આ કારણોસર હવે ટામેટાની સુરક્ષા માટે બાઉન્સર રાખવામાં આવી રહ્યા છે. બાઉન્સરને રાખનાર શાકભાજી વિક્રેતાએ જણાવ્યું કે, ટામેટાના ભાવમાં ભારે વૃદ્ધિ થઈ છે. જેના કારણે લોકો હિંસા કે, લૂટ ન કરે તેના માટે બાઉન્સર રાખ્યા છે. હવે કોઈ ૫૦ ગ્રામ અને કોઈ ૧૦૦ ગ્રામ ટામેટા ખરીદી રહ્યા છે. શાકભાજી વિક્રેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ શેયર પણ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ બાઉન્સર શાકભાજી વિક્રેતાએ નહીં પણ ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતાઓએ ઊભા કર્યા હતા. ટામેટાના ભાવ વધારાને લઈને સરકારને ઘેરવા માટે આ નાટક ઊભું કરાયું હતું. શાકભાજીની દુકાન પર એસપી નેતાએ બે બાઉન્સર તૈનાત કર્યાનો મામલો કાનૂની માર્ગે ગયો છે. જ્યારે આ વીડિયોથી હોબાળો થયો ત્યારે પોલીસ શાકભાજીની દુકાનમાં પહોંચી, જ્યાં ટામેટાંના રક્ષણ માટે બંને બાઉન્સરની ડ્યુટી લગાવવામાં આવી હતી. શાકભાજી વિક્રેતાને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે અને સપા નેતાની શોધખોળ ચાલી રહી છે.