ઝારખંડ,તા.૦૧
ઝારખંડના બે જિલ્લાની શાળાઓમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં દુમકા જિલ્લાના ગોપીકાંદર પહાડિયા સ્કૂલમાં નવમા ધોરણમાં પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓએ ટીચર કુમાર સુમન, સ્કૂલના હેડક્લાર્ક લિપિક સુનીરામ ચૌડે અને અચિંતોકુમાર મલ્લિકને આંબાના ઝાડ સાથે બાંધીને ખુબ માર્યા.
દુમકાની ઘટના વિશે જે માહિતી મળી રહી છે તે અત્યંત આઘાતજનક છે. નવમાં ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષામાં કુલ ૩૬ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જેમાંથી ૧૦ વિદ્યાર્થીઓ નાપાસ થયા. જેના કારણે વિદ્યાર્થીઓએ શિક્ષક અને શાળાના બે સ્ટાફકર્મીને પકડીને એક ઝાડ સાથે બાંધી દીધા. ત્યારબાદ તેમની પીટાઈ કરી. પીટાઈના કારણે શિક્ષક કુમાર સુમનને ઈજા થઈ છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ગોપીકાંદર પ્રખંડના બીડીઓ અનંત કુમાર ઝા, પ્રખંડ શિક્ષણ પ્રસાર પદાધિકારી સુરેન્દ્ર હેમ્બ્રમ અને પોલીસમથક પ્રભારી નિત્યાનંદ ભોક્તા પોલીસફોર્સ સાથે વિદ્યાલય પહોંચ્યા અને સ્થિતિ નિયંત્રણમાં કરી. પ્રશાસને મારપીના આરોપસર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.
બીજી બાજુ કોડરમા જિલ્લાના જયનગર પ્રખંડ મુખ્યાલય સ્થિત એક શાળામાં બે યુવકો દ્વારા ત્યાં પહોંચીને રિવોલ્વર લહેરાવવાની ઘટનાથી ત્યાંના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દહેશતમાં છે. રાજકીયકૃત પ્લસ ટુ વિદ્યાલયમાં બપોરે એક વાગે બે અજાણ્યા યુવકો વિદ્યાલયમાં રિવોલ્વર સાથે પહોંચી ગયા અને ૧૧મા ધોરણની બાજુમાં જઈને હવામાં પિસ્તોલ લહેરાવવા લાગ્યા. જ્યારે પૂછવામાં આવ્યું તો બંને ત્યાંથી ભાગી ગયા.